
નવી દિલ્હીઃ ભારતીય કુસ્તી સંઘને લઈને ચાલી રહેલા વિવાદ અને કુસ્તીબાજોના દંગલ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે WFI એટલે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું છે. નવી ચૂંટાયેલી બોડીએ કુસ્તીબાજોને તૈયારી માટે પૂરતો સમય આપ્યા વિના અંડર-15 અને અંડર-20 નેશનલ ચેમ્પિયનશિપ યોજવાની ઉતાવળમાં જાહેરાત’કર્યા પછી રમત મંત્રાલયે રવિવારે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ને આગામી આદેશો સુધી સસ્પેન્ડ કરી દીધું છે. WFIની ચૂંટણી 21 ડિસેમ્બરે યોજાઈ હતી, જેમાં પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહ અને તેમની પેનલે સારા એવા માર્જિનથી જીત મેળવી હતી.
સસ્પેન્શનના કારણો સમજાવતા, સૂત્રએ જણાવ્યું હતું કે, WFI ના નવા ચૂંટાયેલા પ્રમુખ સંજય કુમાર સિંહે 21 ડિસેમ્બર 2023 ના રોજ પ્રમુખ તરીકેની તેમની ચૂંટણીના દિવસે જાહેરાત કરી હતી કે કુસ્તી માટેની અંડર-15 અને અંડર-20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ઉત્તર પ્રદેશના ગોંડાના નંદિની નગરમાં યોજાશે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ જાહેરાત ઉતાવળમાં કરવામાં આવી છે. ઉપરોક્ત રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાના હોય તેવા કુસ્તીબાજોને પૂરતી માહિતી આપ્યા વિના કે સમય આપ્યા વિના જાહેરાત થઈ છે. WFI બંધારણની જોગવાઈઓનું પણ પાલન કરવામાં આવ્યું ન હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
રમતગમત મંત્રાલયના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું, નવી સંસ્થા, WFI એટલે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા, બંધારણનું પાલન કરતું નથી. અમે ફેડરેશનને બરતરફ કર્યું નથી પરંતુ આગળના આદેશ સુધી તેને સસ્પેન્ડ કરી દીધું છે. તેઓએ માત્ર યોગ્ય પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવાની જરૂર છે. જોકે સંજય સિંહના પ્રમુખ બન્યા બાદ બજરંગ પૂનિયાએ પોતાનો પદ્મશ્રી પરત કરી દીધો છે તેમ જ સાક્ષી મલિકે સન્યાસ જાહેર કરી દીધો છે. બ્રિજભૃષણ પર યૌન શોષણના આક્ષેપો બાદ ચૂંટમી થઈ હતી, પરંતુ તેમના નિકટના સંજય સિંહ પ્રમુખ બનતા ફરી કુસ્તીબાજો નારાજ થયા હતા.