Kolkata Protest 2.0:  ડોકટરોએ મમતા સરકારને આપી ફરી હડતાળ પર જવાની ચીમકી | મુંબઈ સમાચાર

Kolkata Protest 2.0:  ડોકટરોએ મમતા સરકારને આપી ફરી હડતાળ પર જવાની ચીમકી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર માટે નવી મુશ્કેલી ઉભી થઈ રહી છે. જેમાં જુનિયર ડોક્ટરોએ મેડિકલ કોલેજોમાં(Kolkata Doctor Rows)કામકાજ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય શનિવારે લેવામાં આવ્યો હતો. આરજી કર હોસ્પિટલ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જો આ સુનાવણી બાદ તબીબો સંતુષ્ટ નહીં થાય તો તેઓ હડતાળ પર ઉતરશે. શુક્રવારે બનેલી ઘટના બાદ ડોક્ટરોએ આ નિર્ણય લીધો છે જેમાં ત્રણ ડોક્ટર અને ત્રણ નર્સ પર હુમલો થયો હતો. આ ઘટના કોલકાતા નજીક કોલેજ ઓફ મેડિસિન એન્ડ સાગર દત્તા હોસ્પિટલ માં બની હતી. દર્દીના મોત બાદ રોષે ભરાયેલા પરિવારજનોએ ડોકટરો અને નર્સ પર હુમલો કર્યો હતો. કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર પર રેપ અને મર્ડર કેસની ઘટના બાદ વાતાવરણ ખૂબ જ તંગ છે.

અમારી સુરક્ષાને લઈને તેમની દલીલો સાંભળવા માંગીએ છીએ

ડોકટરોએ કહ્યું કે સાગર દત્તા હોસ્પિટલ પરનો હુમલો દર્શાવે છે કે રાજ્ય સરકાર તેમને સુરક્ષા આપવાનું પોતાનું વચન પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. એક જુનિયર ડોક્ટરે કહ્યું કે અમે રાજ્ય સરકારને થોડો સમય આપી રહ્યા છીએ. સોમવારે સુપ્રીમ કોર્ટમાં અમારી સુરક્ષાને લઈને તેમની દલીલો સાંભળવા માંગીએ છીએ. તેની બાદ સાંજે 5 વાગ્યાથી અમે બંગાળની તમામ હોસ્પિટલોમાં કામ બંધ કરીશું. દર્દીના સંબંધીઓએ જે હોસ્પિટલ પર હુમલો કર્યો તે ઉત્તર 24 પરગણા જિલ્લામાં છે.

સાગર દત્તા હોસ્પિટલમાં ડોક્ટરોએ કામકાજ બંધ કર્યું

એક મહિલા દર્દીને ફેફસાની ગંભીર બીમારી હતી. તેના પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહિલાના પરિવારજનોએ જુનિયર ડોકટરો અને નર્સો પર સારવારમાં બેદરકારીનો આરોપ લગાવીને હુમલો કર્યો હતો. આમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસે ઘટનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી હતી. શુક્રવારથી જ સાગર દત્તા હોસ્પિટલમાં ડોક્ટરોએ કામકાજ બંધ કર્યું છે.

જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટની બેઠક યોજાઈ હતી

આ ઘટના બાદ પશ્ચિમ બંગાળ જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટની બેઠક યોજાઈ હતી.  જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડોક્ટરો સોમવારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે અને હોસ્પિટલ કેસની સુનાવણીની રાહ જોશે. જુનિયર ડોક્ટર અનિકેતે કહ્યું કે અમારા વકીલો પણ કોર્ટને કહેશે કે સરકાર જુનિયર ડોક્ટરોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી છે. અમે એ પણ જોઈશું કે રાજ્ય સરકાર કોર્ટને શું કહે છે. જો ત્યાંથી કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો અમે સોમવારે સાંજે 5 વાગ્યાથી ફરીથી કામકાજ બંધ કરી દઈશું.

Back to top button