Weather Update : દેશમાં વધતી ઠંડી વચ્ચે દિલ્હી સહિત આ સાત રાજ્યોમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત થઇ રહેલી હિમવર્ષાએ દેશભરમાં હવામાન(Weather Update)બદલી નાખ્યું છે. જેમાં મોટાભાગના રાજ્યોમાં ઠંડીની સાથે શીતલહેરની અસર વર્તાઇ રહી છે. તેવા સમયે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે કમોસમી વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ કમોસમી વરસાદના કારણે મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હરિયાણા જેવા રાજ્યોમાં આગામી સાત દિવસમાં તીવ્ર ઠંડીની સ્થિતિ વધુ વણસી શકે છે. આઈએમડીએ હિમાચલ પ્રદેશના ઉના, હમીરપુર, બિલાસપુર અને મંડી જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના
આગામી થોડા દિવસો દરમિયાન હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબમાં ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ અને હળવો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે તમિલનાડુમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કરાઈકલમાં અને 25 અને 26 ડિસેમ્બરે ભારે વરસાદની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીરમાં હાઈડ્રોપાવર ઉત્પાદન ખોરવાઈ ગયું
જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે ઠંડી છે. કાશ્મીર અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણીની પાઈપો જામી ગઈ છે અને નદીનું પાણી બરફમાં ફેરવાઈ જવાને કારણે હાઈડ્રોપાવર ઉત્પાદન ખોરવાઈ ગયું છે. કાશ્મીર ઘાટી અને લદ્દાખમાં હિમવર્ષા થઈ છે. ખીણમાં તાપમાન માઈનસ 24 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને સિક્કિમમાં નવેસરથી હિમવર્ષા થઈ શકે છે.
વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો
હવામાન વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. મેઘાલયના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અહીં વિઝિબિલિટી 50 મીટર સુધી રહી હતી. મેઘાલયના બારાપાનીમાં 40 મીટર, બિહારના પૂર્ણિયામાં 50, રાજસ્થાનના ઉદેપુરમાં 93, ચુરુમાં 92, હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં 100 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી.
Also Read – Gujarat માં પલટાશે વાતાવરણ, ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ
આ ઉપરાંત આજે સવારે દિલ્હી અને નોઈડા સહિત NCRમાં ધુમ્મસનું પાતળું પડ જોવા મળ્યું હતું. દિલ્હીના ઈન્ડિયા ગેટ પર લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઝરમર વરસાદને કારણે આગામી 24 કલાક દરમિયાન દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.