“પાકિસ્તાને યુદ્ધ રોકવા અપીલ કરી, પરમાણુ ધમકી નહીં ચાલે!” લોકસભામાં PM મોદીનું સંબોધન
દુનિયાના કોઈ પણ નેતાએ 'ઓપરેશન સિંદૂર' ઓપરેશન રોક્યું નહોતુંઃ વિપક્ષને જવાબ

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર વિશેષ ચર્ચા થઇ રહી છે. આજે આ મામલે 16 કલાક જેટલી લાંબી ચર્ચા ચાલી હતી, ગઈકાલ રાત્રે ૨ વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને સામસામે આવી ગયા હતા. આજે પણ સંસદમાં ઉગ્ર ચર્ચા થઇ હતી.
ચર્ચાના અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહને સંબોધન કર્યું હતું. પાકિસ્તાનની પરમાણુ ધમકીઓને ભારતે ખોટી પુરવાર કરી અને ભારતે એ વાત પણ સિદ્ધ કરી કે ન્યુક્લિયર બ્લેકમેઈલિંગ નહીં ચાલે અને ન તો ભારત એની સામે ઝૂકશે નહીં. આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચાલુ છે અને એ ક્યારેય પૂરું થશે નહીં, એમ પણ પીએમ મોદીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર કોઈના દબાણથી નહીં પણ પાકિસ્તાનની અપીલથી રોક્યું: સંસદમાં રાજનાથ સિંહનો ‘જવાબ’…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા અને પાકિસ્તાન પર થયેલા હુમલા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે નવમી મેની મધ્યરાત્રિ અને 10 મેની સવારે ભારતીય મિસાઇલોએ પાકિસ્તાનના દરેક ખૂણામાં સચોટ પ્રહાર કર્યા, જેનાથી પાકિસ્તાન ઘૂંટણિયે પડવા મજબૂર થયું હતું.
પીએમ મોદીએ ખુલાસો કર્યો કે પાકિસ્તાને ભારતના ડીજીએમઓ (DGMO)ને ફોન કરીને વિનંતી કરી હતી કે તેઓ આટલો માર સહન કરી શકે તેમ નથી, અને યુદ્ધ રોકવાની અપીલ કરીએ છીએ.
આપણ વાંચો: સંસદમાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા: સરકાર સજ્જ, વિપક્ષ આક્રમક
ભારતને ઓપરેશન રોકવા માટે કોઈનું દબાણ નહીં
વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, “દુનિયાના કોઈ નેતાએ ભારતને પોતાનું ઓપરેશન રોકવા માટે કહ્યું નહોતું. નવમી મે 2025ની રાતના યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લગભગ એક કલાક સુધી પ્રયાસ કરતા રહ્યા, પરંતુ હું આપણા સશસ્ત્ર દળો સાથે એક મીટિંગમાં હતો અને તેમનો ફોન લઈ શક્યો નહીં.
બાદમાં મેં તેમને પાછો ફોન કર્યો. તેમણે મને જાણ કરી કે પાકિસ્તાન એક મોટો હુમલો કરવાનું આયોજન કરી રહ્યું છે. તેમણે મને સીધું જ એમ કહ્યું હતું. મારો જવાબ સ્પષ્ટ હતો: જો પાકિસ્તાન આવો હુમલો કરવાનો ઇરાદો રાખે છે, તો તેને ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે.”
આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે’ CDS અનિલ ચૌહાણે આવું કેમ કહ્યું?
નિર્દોષ લોકોની હત્યા પર કોંગ્રેસે રાજકારણ કર્યું
વડા પ્રધાને 22 એપ્રિલના આતંકી હુમલા બાદ કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ’56 ઇંચની છાતી ક્યાં ગઈ, મોદી ક્યાં ખોવાઈ ગયા?’ જેવા સવાલો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા.
” તેમણે આરોપ લગાવ્યો કે નિર્દોષ લોકોની હત્યા પર પણ કોંગ્રેસ રાજકારણ કરી રહી હતી, જેનાથી સેનાનું મનોબળ ઘટ્યું. વડા પ્રધાને કહ્યું કે “કોંગ્રેસને ભારતની તાકાત પર ભરોસો નથી, તેથી તેઓ ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવી રહ્યા છે. મીડિયામાં હેડલાઇન તો મળી શકે છે, પરંતુ દેશવાસીઓના દિલમાં જગ્યા નહીં મળે.”
આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે સંસદમાં 29 જુલાઈના ચર્ચાઃ PM Modi આપશે વિપક્ષના પ્રશ્નોનો જવાબ…
સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટમાં પણ લક્ષ્ય નક્કી કર્યું
વડા પ્રધાને કહ્યું કે 10 જુલાઈએ ભારતે ઓપરેશન સિંદૂર રોકવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ ઘણી અફવાઓ ફેલાવવામાં આવી અને સરહદ પારથી પ્રોપગન્ડા ચલાવવામાં આવ્યો. તેમણે સ્પષ્ટ કર્યું, અમે સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટમાં પણ લક્ષ્ય નક્કી કર્યું હતું.
આતંકીઓના ટ્રેનિંગ સેન્ટરને તબાહ કરવામાં આવ્યા. ઓપરેશન સિંદૂરમાં પણ અમારું લક્ષ્ય સ્પષ્ટ હતું અમે આતંકીઓની નાભિ પર હુમલો કર્યો અને તેમને સચોટ રીતે ખતમ કર્યા હતા.
પાકિસ્તાનના અનેક એરબેઝ ICU જેવી સ્થિતિમાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય સેનાએ આતંકના અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા અને પાકિસ્તાનની પરમાણુ ધમકીને ખોટી સાબિત કરી દીધી. તેમણે કહ્યું, “પરમાણુ બ્લેકમેલિંગ હવે નહીં ચાલે. ભારતે પોતાની તકનીકી ક્ષમતાનું પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનના હૃદય પર સીધો પ્રહાર કર્યો.
વડા પ્રધાને કહ્યું કે પાકિસ્તાનના અનેક એરબેઝને ભારે નુકસાન થયું છે અને કેટલાક તો ICU જેવી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે, અને તેની સફળતામાં છેલ્લા દસ વર્ષની તૈયારી અને તકનીકી પ્રગતિનો મોટો ફાળો રહ્યો છે. તેમણે ‘આત્મનિર્ભર ભારત’ની તાકાતને રેખાંકિત કરતા કહ્યું કે ‘મેડ ઇન ઇન્ડિયા’ ડ્રોન્સે પાકિસ્તાનની પોલ ખોલી દીધી.