હાશકારો ! મુંબઈના માથેથી પાણીકાપનું સંકંટ ટળ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાના માથેથી હાલ પૂરતું પાણી કાપનું સંકટ ટળી ગયું છે. રાજ્ય સરકારે મુંબઈ મહાનગરપાલિકાને મુંબઈ માટે લાખ મિલિયન લિટર રિઝર્વ પાણીનો સ્ટોક વાપરવાની મંજૂરી આપી દીધી છે. મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં હાલ માત્ર ૪૨.૬૭ ટકા પાણીનો સ્ટોક બચ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી મુંબઈને રાહત થઈ છે. તો ટૂંક સમયમાં જ પાણીકાપ લાદવાની કોઈ યોજના ન હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
ગયા વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું હતું અને ખેંચાયું પણ વહેલું હતું, તેને કારણે આ વર્ષે તળાવોમાં પાણીનો જથ્થો છેલ્લા બે વર્ષની સરખામણીમાં સૌથી ઓછો છે. પાણીના સ્ટોકમાં ભારે ઘટાડો થતા પાલિકાએ પહેલી માર્ચથી શહરેમાં પાણીકાપ જાહેરાત કરવાનું આયોજન કરી રહી હતી. જોકે પાણી કાપને ટાળવા માટે પાલિકાએ રાજ્યના સિંચાઈ વિભાગને અપર વૈતરણા અને ભાતસા તળાવમાંથી અનામત સ્ટોકમાંથી વધારાનું પાણી ફાળવવાની વિનંતી કરી હતી.
પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસુના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે પાલિકાની અરજીનો સ્વીકાર કર્યો છે અને ભાતસામાંથી ૧.૩૭ લાખ મિલિયન લિટર અને અપર વૈતરણામાંથી ૯૨.૫ મિલિયન લિટર વધારાના પાણીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.