જે લોકો શાંતિ અને સલામતી ઈચ્છે છે, હું તેમને કહું છું…, નરેન્દ્ર મોદી
‘જે અશક્ય લાગતું હતું. તે શક્ય બન્યું કે નહીં? કોણે કર્યું? તે કઈ શક્તિ છે જેણે તે કર્યું? મોદીને કારણે નહીં, તે તમારા મતની શક્તિને કારણે થયું’
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં શુક્રવારે મહાયુતિની ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ સભામાં નરેન્દ્ર મોદીએ મુંબઈગરાને મહત્વની અપીલ કરી હતી કે જે લોકો શાંતિ અને સલામતી ઈચ્છે છે, જે લોકો પોતાના સંતાનો માટે ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે તેઓ રાષ્ટ્રહિતમાં એનડીએને મતદાન કરે.
તેમણે કહ્યું હતું કે આખી દુનિયા કહેશે કે ભારતના લોકો વિચારમાં મક્કમ હતા, નિશ્ર્ચયમાં મક્કમ હતા. દુનિયાએ સ્વીકારવું પડશે કે તેઓ એક સ્વપ્ન સાથે પાંચસો વર્ષ સુધી લડ્યા. આ કોઈ નાનો સંઘર્ષ નથી. અનેક પેઢીઓનો સંઘર્ષ, લાખો લોકોનું બલિદાન… પાંચસો વર્ષનું સ્વપ્ન… આજે રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. બીજી તરફ એવા લોકો છે જે હતાશામાં ડૂબી ગયા છે. તેઓએ વિચાર્યું ન હતું કે કલમ 370 રદ્દ થશે. મેં કલમ 370ની દિવાલને કબ્રસ્તાનમાં દાટી દીધી છે. કેટલાક લોકો કલમ 370 ફરીથી લાગુ કરવાનું સપનું જુએ છે. તેઓએ કાન ખોલીને સાંભળવું જોઈએ. દુનિયાની કોઈ પણ શક્તિ કલમ 370ને ફરીથી લાગુ કરી શકે નહીં. આપણા દેશમાં હંમેશા બોમ્બ ધડાકા થતા હતા. મુંબઈ શહેર ડરના ઓછાયા હેઠળ રહેતું હતું. લાવારિસ સામાન દેખાતાં પોલીસને બોલાવવામાં આવતી હતી. એવી એનાઉન્સમેન્ટ થતી હતી કે ત્યજી દેવાયેલી વસ્તુઓને સ્પર્શ કરશો નહીં. શું તમે છેલ્લા દસ વર્ષમાં આવું ફરીથી સાંભળ્યું છે? આ વસ્તુ પણ તેમને મુશ્કેલ લાગી રહી હતી, એમ નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો.
ટ્રિપલ તલાક રદ કરવાનું અસંભવ લાગતું હતું, પરંતુ હવે દેશની સંસદે ટ્રિપલ તલાકને જ કાયમી તલાક આપી દીધા છે. મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવી છે. જેની લોકો 40 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. સંસદમાં જ આ બિલ પર ચર્ચા થઈ હતી. આજે બંધારણ સાથે નાચનારાઓએ મહિલાઓને 33 ટકા અનામતના બિલને ફાડી નાખ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.
આ બધું જેે અશક્ય લાગતું હતું. તે શક્ય છે બન્યું કે નહીં? આ કોણે કર્યું? એવી કઈ શક્તિ છે જેણે આ કર્યું છે? મોદી નહીં. તે તમારા મતની શક્તિને કારણે થયું છે. તમારા મતમાં શક્તિ છે. તેથી જેઓ તેમના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે, જેઓ શાંતિ અને સલામતી ઈચ્છે છે, તેઓ બહાર આવો અને મતદાન કરો. હું તમને વિનંતી કરું છું, હું મુંબઈગરાની નજીક આવ્યો છું. હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તમારે મોટા પાયે મતદાન કરવું જોઈએ, એવી વિનંતી નરેન્દ્ર મોદીએ કરી હતી.
જ્યારે તમે મતદાન કરવા માટે તમારા ઘરની બહાર નીકળો, ત્યારે યાદ રાખજો કે આ એ જ શહેર છે જ્યાં ગમે ત્યારે બોમ્બ વિસ્ફોટ થતા હતા, તમને ખાતરી નહોતી કે તમે ઘર છોડ્યા પછી પાછા ઘરે ફરશો કે નહીં. આ યાદ રાખો. કમળ પર મહોર લગાવો અને મોદીને મજબૂત કરો. તમારો એક મત રાષ્ટ્રના હિતમાં મોટા નિર્ણયો લેવાનો આધાર બની ગયો છે, એમ પણ તેમણે કહ્યું હતું.
રાજ ઠાકરેની મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપવાની માગણીનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે હવે મરાઠીમાં પણ મેડિસીનનો અભ્યાસ કરી શકાશે. મેં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તમારા ચુકાદાનો ઓપરેટિવ ભાગ તો પક્ષકારને તેમની ભાષામાં આપો. તે આજથી શરૂ થઈ રહ્યું છે. એટલે મુંબઈના કોઈ વ્યક્તિનો કેસ સુપ્રીમ કોર્ટમાં હોય તો એનો ઓપરેટિવ પાર્ટ મરાઠીમાં અનુુવાદ કરીને મેળવી શકાશે, એમ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.