VVPAT Case: ‘અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકીએ નહીં’ સુપ્રીમ કોર્ટે આદેશ અનામત રાખ્યો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં 100 ટકા VVPAT સ્લીપ્સની ચકાસણીની માંગ કરતી અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, આજની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે શંકાના આધારે આદેશ આપી શકીએ નહીં. કોર્ટ પાસે ચૂંટણી પ્રક્રિયાનું નિયંત્રણ કરવાની સત્તા નથી.
સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન કહ્યું કે અમારી પાસે કેટલાક પ્રશ્નો છે. જેના જવાબો આપવામાં આવ્યા છે. અમે નિર્ણય હાલ પૂરતો અનામત રાખ્યો છે. VVPAT અંગે કોર્ટે કહ્યું કે હજુ સુધી કોઈપણ પ્રકારની ગેરરીતિનો એક પણ રિપોર્ટ જાણવા મળ્યો નથી. અમે એ પણ ચકાસી રહ્યા છીએ કે શું વધુ VVPAT ને સરખાવવા માટે ઓર્ડર આપી શકાય.
આ પણ વાંચો: VVPAT કેવી રીતે કામ કરે છે? સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ચાર મહત્વના પ્રશ્નો પૂછ્યા
બે દિવસ પછી 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે, એવામાં આજે જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે EVMનો સોર્સ કોડ જાહેર કરવાની રજૂઆત સ્વીકારી ન હતી. બેન્ચે કહ્યું કે”સોર્સ કોડ જાહેર કરવો જોઈએ નહીં. તેનો દુરુપયોગ થઇ શકે છે. ”
કોર્ટે સ્પષ્ટ કર્યું કે EVMમાં ત્રણ ભાગોનો સમાવેશ થાય છે – બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને VVPAT અને તે જાણવા માંગે છે કે કંટ્રોલ યુનિટમાં માઇક્રોકન્ટ્રોલર છે કે કેમ.
સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ અરજદારના વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે શું અમે શંકાના આધારે કોઈ આદેશ આપી શકીએ? તમે જે રિપોર્ટ પર વિશ્વાસ કરી રહ્યાં છો તે જણાવે છે કે અત્યાર સુધી હેકિંગની કોઈ ઘટના બની નથી. અમે કોઈપણ અન્ય બંધારણીય ઓથોરીટીને નિયંત્રિત કરી શકીએ નહીં, અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયમાં VVPAT ના ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેનું પાલન કરવામાં આવ્યું પરંતુ આદેશમાં એવું કહેવામાં નથી આવ્યું કે બધી સ્લિપ મેચ થવી જોઈએ.
કોર્ટે વધુમાં કહ્યું કે જો કેટલાક સુધારાની જરૂર પડશે તો તે કરવામાં આવશે. અમે આ મામલે બે વખત દરમિયાનગીરી કરી હતી. પહેલા VVPAT ને ફરજિયાત બનાવીને અને પછી 1 થી 5 VVPAT ને મેચ કરનો ઓર્ડર આપી ને.
સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે તેથી જ અમે ચૂંટણી પંચને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. કમિશનનું કહેવું છે કે ફ્લેશ મેમરીમાં અન્ય કોઈ પ્રોગ્રામ ફીડ કરી શકાય નહીં. તેમનું કહેવું છે કે તેઓ ફ્લેશ મેમરીમાં કોઈ પ્રોગ્રામ અપલોડ કરતા નથી, માત્ર ચૂંટણી ચિન્હ અપલોડ કરે છે, જે ઈમેજના રૂપમાં હોય છે. અમારે ટેકનિકલ બાબતોમાં કમિશન પર વિશ્વાસ કરવો પડશે.
આના પર વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે તેઓ ચૂંટણી ચિન્હ સાથે સાથે કોઈપણ વાંધાજનક પ્રોગ્રામ અપલોડ કરી શકે છે, અમને એવી શંકા છે. ત્યારે કોર્ટે કહ્યું કે અમે તમારી દલીલ અમે સમજી ગયા છીએ. અમે અમારા નિર્ણયમાં આને ધ્યાનમાં લઈશું.
કોર્ટે કહ્યું કે અમારે ચૂંટણી પંચના ટેકનિકલ રિપોર્ટ પર વિશ્વાસ કરવો પડશે. તેઓ કહે છે કે ફ્લેશ મેમરી 1024 સિમ્બોલ સ્ટોર કરી શકે છે, સોફ્ટવેરને નહીં. પંચ કહે છે કે જ્યાં સુધી CU (કંટ્રોલ યુનિટ) માં માઇક્રોકન્ટ્રોલરનો સંબંધ છે, તે એગ્નોસ્ટીક છે. તે કોઈ પક્ષ અથવા પ્રતીકને ઓળખતું નથી, તેનો માત્ર બટન સાથે સંબંધ છે.
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે કે શું ફ્લેશ મેમરીમાં અન્ય પ્રોગ્રામ લોડ કરવો શક્ય છે, ત્યારે કોર્ટે કહ્યું કે “શું અમે શંકાના આધારે આદેશ આપી શકીએ? અમે અન્ય બંધારણીય ઓથોરીટીને નિયંત્રિત કરી શકીએ નહીં.”