વન-ડેમાં કોહલીની વિરાટ સિદ્ધિઃ 14,000 રન પૂરા કરનાર ફાસ્ટેસ્ટ ખેલાડી

દુબઈઃ ભારતના સુપરસ્ટાર બૅટર વિરાટ કોહલીએ રવિવારે ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચ મારફત નવો ઇતિહાસ સર્જ્યો હતો, કારણકે તે વન-ડે ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં સૌથી ઝડપે (સૌથી ઓછી ઇનિંગ્સમાં) 14,000 રન પૂરા કરનાર ખેલાડી બન્યો હતો. તેણે સચિન તેન્ડુલકરનો વિશ્વવિક્રમ તોડ્યો હતો. કોહલીએ 14,000 રન માત્ર 287 ઇનિંગ્સમાં પૂરા કર્યા છે. લિટલ ચૅમ્પિયન સચિને 350મી મૅચમાં અને (હવે ત્રીજા નંબરના) કુમાર સંગકારાએ 378 ઇનિંગ્સમાં 14,000 રન પૂરા કર્યા હતા.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ બાબરની વિકેટ લઈને રચ્યો ઇતિહાસ…
વન-ડેમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં પણ કોહલી ત્રીજા નંબરે છે. તેના 14,000 રન સામે નંબર-વન બૅટર સચિન તેન્ડુલકરના 18,246 રન અને નંબર-ટૂ બૅટર કુમાર સંગકારાના 14,234 રન છે.
નવાઈની અને યોગાનુયોગ બાબત એ છે કે સચિન પછી કોહલીએ પણ 14,000મો રન પાકિસ્તાન સામે નોંધાવ્યો.
કોહલીએ રવિવારે માત્ર 15 રન બનાવ્યા ત્યારે 14,000ના આંક પર પહોંચી ગયો હતો. તેણે આ સિદ્ધિ પાકિસ્તાનના હારિસ રઉફની ઓવરના એક બૉલમાં ફોર ફટકારીને હાંસલ કરી હતી.
36 વર્ષનો કોહલી વર્તમાન બૅટર્સમાં સર્વશ્રેષ્ઠ છે. વન-ડેમાં 13,000 રન પૂરા કરનારાઓમાં પણ તે ફાસ્ટેસ્ટ હતો. વન-ડે ફૉર્મેટમાં સૌથી વધુ 50 સેન્ચુરી ફટકારવાનો વિશ્વવિક્રમ કોહલીના નામે છે.