વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે હાઈ કોર્ટને કરાઈ રજૂઆત, કોર્ટે માગ્યા રિપોર્ટ

વડોદરા: હરણી બોટ દુર્ઘટના મામલે હાઇ કોર્ટ સુઓ મોટો (સ્વયં સંજ્ઞાન) લે તેના માટે ગુજરાત હાઇ કોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા અરજી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ કરૂણ ઘટનાની હાઇ કોર્ટે સુઓમોટો નોંધ લેવી જોઇએ. હાઇ કોર્ટે આ અરજી સ્વીકારી છે અને ઘટના અંગેના દસ્તાવેજી પુરાવા તથા ન્યૂઝપેપર સહિતના મીડિયા અહેવાલો પણ માંગ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધી આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે, જેમાં 14થી વધુ કુમળી વયના બાળક હતા.
સ્કૂલના પ્રવાસે નીકળેલા બાળકો અને શિક્ષકો હરણી તળાવમાં બોટિંગ માટે બેઠા હતા, અને ઓચિંતા જ બોટ તળાવમાં પલટી જતા કરૂણ દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનાથી આખું ગુજરાત સ્તબ્ધ અને વિચલિત છે.
કોઇ પણ દુર્ઘટના જ્યારે ઘટે ત્યારે તે દુ:ખદ હોય જ છે, પણ દુર્ઘટના બાદ એની after math એટલે કે તેના પ્રત્યાઘાતો, લોકોના નિવેદનો, એનાથીય દુ:ખદ હોય છે. સંચાલક-શિક્ષકો અલગ અલગ વેરાયટીમાં બકવાસ કરી રહ્યા છે. જવાબદારીમાંથી છટકવા વાહિયાત blame game પર ઉતરી આવ્યા છે.
આ બાળકો જે શાળા તરફથી પ્રવાસે ગયા હતા તે શાળાના સંચાલકે તેના બચાવમાં નિવેદન આપ્યું છે કે બોટ સંચાલકની મનમાનીને કારણે દુર્ઘટના સર્જાઇ. બોટ સંચાલકે કહ્યું હતું કે અમારે રોજનું છે, કોઇ વાંધો નહિ આવે. અમુક બાળકોને લાઇફ જેકેટ પહેરાવાયા અમુકને નહિ, નવાઇની વાત એ છે 80થી વધુ બાળકો સાથે કુલ 12 શિક્ષકો પ્રવાસ માટે નીકળ્યા હતા અને તેમાંથી કોઇને પણ સુઝ્યું નહિ કે આ ‘કથિત મનમાની’ નથી થવા દેવી. એટલું પણ ધ્યાન ન રાખી શક્યા કે તમામ બાળકોને લાઇફ જેકેટ પહેરાવાય?
બાકી, તંત્ર એનું કામ કરી રહ્યું છે, મોરબી સાથે આ દુર્ઘટનાની સરખામણી થઇ રહી છે કેમ કે મોરબી સમાન તથ્યો આ ઘટનામાં પણ સામે આવ્યા છે. બોટનો કોન્ટ્રાક્ટ સેવઉસળ બનાવનારા વ્યક્તિને સોંપાયો હતો, બોટમાં પૂરતા લાઇફ જેકેટ્સ નહોતા, બોટ પર ઠેકાણે થઇ ગયેલી જ હતી. DEO કચેરી પાસેથી શાળાએ પરમિશન લીધી નહોતી.
વડોદરા મનપાને તો ખબર જ નહોતી કે આ પ્રકારે હરણી તળાવમાં બોટિંગ થઇ રહ્યું છે! આ જ રીતે મોરબીમાં પણ પાલિકાને અંધારામાં રાખીને બારોબાર પુલને કાર્યરત કરી દેવાયો, પુલના રિનોવેશન છતાં પણ તેના અમુક ભાગો જર્જરિત જ રહ્યા હતા. હવે આવી ઘટનાઓમાં કોણ કોને દોષ આપશે અને કોણ વાંક કાઢશે?
આ ઘટનામાં હરણી પોલીસ તપાસ કરી રહી હતી, જો કે હવે SITને તપાસ સોંપી દેવાઇ છે. ગુજરાત પોલીસના SITના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 10 દિવસમાં રિપોર્ટ સોંપવા પોલીસને આદેશ આપ્યો છે.