અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પહોંચ્યા દિલ્હી, પીએમ મોદી સાથે થોડીવારમાં કરશે દ્વિપક્ષીય સંવાદ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દેશની રાજધાની દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે. તેમની પહેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ અને જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશીદા દિલ્હી પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ ઉપરાંત બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીના પણ દિલ્હી આવી પહોંચ્યા હતા. શેખ હસીના આજે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય સંવાદ પણ કરશે.
નવી દિલ્હી ખાતે આગામી 9 થી 10 ડિસેમ્બરે G-20 શિખર સંમેલન આયોજીત થવા જઇ રહ્યું છે. આ માટે રાજધાનીમાં આજથી વિદેશી મહેમાનોની સતત આવનજાવન થઇ રહી છે. આ સંમેલનમાં 19 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અને સરકારના પ્રમુખ ભાગ લેશે. આ સિવાય યુરોપીયન યુનિયન પણ આ સંમેલનમાં હાજરી આપશે. G-20 ના સભ્ય દેશો સિવાય અન્ય 9 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ મહેમાન દેશ તરીકે બેઠકમાં ભાગ લઇ રહ્યા છે.
દુનિયાના 20 પ્રમુખ દેશોએ 1999ના આર્થિક સંકટ બાદ એક સમૂહની રચના કરી હતી. જેને G-20 દેશો તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહ વર્તમાનમાં વૈશ્વિક જીડીપીમાં 80 ટકા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં 75 ટકા ભાગ ધરાવે છે. અત્યાર સુધી કુલ 17 G-20 સંમેલનો યોજાઇ ચુક્યા છે. નવી દિલ્હીમાં યોજાયેલું આ 18મું શિખર સંમેલન છે.