અમેરિકામાં સોશિયલ મીડિયા સ્ટાર Squirrel Pnutની હત્યા બની રાજકીય ચર્ચાનો વિષય
સોશિયલ મીડિયાના આજના જમાનામાં લોકો પોતાના ફોલોઅર્સ વધારવા કંઇક ગતકડાં અજમાવતા હોય છે, ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકામાં હાલમાં પીનટ નામની ખિસકોલી ચર્ચામાં છે. આ ખિસકોલી કોઇ સાધારણ નથી, પણ સોશિયલ મીડિયા સ્ટાર છે. તેના છ લાખથી વધુ ફોલોઅર્સ છે. હવે આ ખિસકોલીના મોતને લઈને હોબાળો મચી ગયો છે. થોડા દિવસ પહેલા પીનટ નામની આ ખિસકોલીને હડકવા (રેબીઝ)થી સંક્રમિત થવાની શક્યતાને ધ્યાનમાં લઇને મારી નાખવામાં આવી હતી. એમ જાણવા મળ્યું છે કે જ્યારે પીનટને મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવી ત્યારે તે એક સરકારી કર્મચારીને કરડી હતી. ત્યાર બાદ તેને મારી નાખવામાં આવી હતી.
પીનટ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતી. તેના નામ પર એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. તે જ સમયે, પીનટ ખિસકોલીના પાંચ લાખથી વધુ ફોલોઅર્સ હતા. યુઝર્સ પીનટની તસવીરો અને રીલ્સ પર લાઈક અને કોમેન્ટ કરતા હતા. પીનટના મોત બાદ એલોન મસ્કે યુએસ પ્રમુખ જો બાઇડેનના વહીવટ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તેમને અક્કલ વગરના અને લાગણી વિનાના કિલીંગ મશીન ગણાવ્યા હતા અને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે અને બધી ખિસકોલીઓને બચાવશે. મસ્કે પીનટ વિશે જે પોસ્ટ કરી છે તેમાં પીનટ તેના માલિક લોંગોની પીઠ પર બેઠેલી જોવા મળે છે. તેને મારી નાખ્યા બાદ લોંગોએ નારાજી વ્યક્ત કરી હતી. જ્યારે પીનટની માતાનું કાર અકસ્માતમાં અવસાન થયું ત્યારે લોંગોએ પીનટને બચાવી લીધી હતી. તેને ઘરે લાવ્યો હતો, બોટલથી દૂધ પાયું હતું, સારવાર કરી હતી. સાત વર્ષ સુધી પીનટ લોંગો સાથે રહી હતી. લોંગોએ પીનટના નામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું હતું, જેમાં તે પીનટ વિશે રોજ ફોટા, વીડિયો અને માહિતીઓ શેર કરતો હતો.
આ પણ વાંચો…..ટ્રમ્પને અમેરિકી ચૂંટણીમાં છેતરપિંડીનો ડરની આશંકા, વોટર આઈડી કાર્ડને લઈને આ માંગણી કરી
હવે પીનટના મોત બાદ અમેરિકામાં ભારે હોબાળો મચ્યો છે. સ્પેસએક્સના માલિક એલોન મસ્કે પીનટના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે અને પીનટ જેવી ખિસકોલીોના રક્ષણ માટે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં જિતાડવાની વિનંતી કરી છે.