પટણા: લોકસભાની ચૂંટણી ઊંબરે આવીને ઊભી છે, પણ કૉંગ્રેસમાં એક સાંધે તેર તૂટ્યા જેવી હાલત છે. એક તરફ તેમના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી જઈ રહ્યા છે. બીજી બાજુ ઈન્ડિયા ગઠબંધનમાં કોઈ મેળમિલાપ દેખાઈ રહ્યો નથી ત્યારે હવે કૉંગ્રેસ પક્ષ તરફથી કંઈક એવા સમચાાર આવી રહ્યા છે જે થોડા સકારાત્મક કહી શકાય. કૉંગ્રેસની ઉત્તર પ્રદેશની લોકસભા બેઠકો માટે સમાજવાદી પક્ષ સાથે વાત ચાલી રહી છે. કૉંગ્રેસે ઓછામાં ઓછી 20 બેઠક પર લડવાની ઈચ્છા બતાવી છે.
સપાએ અગાઉ 11 બેઠક કૉંગ્રેસને આપવાની તૈયારી બતાવી હતી. ત્યારે હવે કૉંગ્રેસના સૂત્રોનું માનીએ તો કૉંગ્રેસ યુપી અને બિહારની અમુક બેઠક પર લડવાનો નિર્ધાર કરી ચૂકી છે અને તેના ઉમેદવારો પણ નક્કી થઈ રહ્યા છે. આરએલડીએ છેડો ફાડતા સપા પણ કૂણુ પડ્યું છે.
જો કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ યુપી-બિહારમાં ઓછામાં ઓછી 30થી 40 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા જઈ રહી છે. હવે કૉંગ્રેસના ઉમેદવારોની વાત આવે ત્યારે સૌથી પહેલા રાહુલ અને પ્રિયંકાના નામ વિશે ઉત્સુકતા જાગે. તો મળતી માહિતી અનુસાર આ વખતે રાહુલ માટે કૉંગ્રેસ માટે સુરક્ષિત ગણાતી રાયબરેલીની બેઠક નક્કી કરવામાં આવી છે. આ બેઠક પર છેલ્લા 20 વર્ષથી સોનિયા ગાંધી ચૂંટણી જીતતા આવ્યાં છે અને તે અગાઉ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ અહીંથી ચૂંટણી જીત્યા છે. કૉંગ્રેસનો આ ગઢ માનવામા આવે છે. ગઈ ચૂંટણીમાં કૉંગ્રેસની બીજી એક પારંપારિક બેઠક અમેઠી ભાજપે જીતી હતી. અહીંથી રાહુલ ગાંધીને હરાવી કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની જીત્યા હતા. હવે આ બેઠક પર તેમને ટક્કર આપવા કૉંગ્રેસના ગાંધી પરિવારના પુત્રી પ્રિયંકા ગાંધી મેદનમાં ઉતરશે તેવા અહેવાલો મળી રહ્યા છે.
તેવી જ રીતે કોંગ્રેસે બિહારમાં લગભગ 15-20 બેઠકો પર આરજેડી સામે દાવો કર્યો છે. બિહાર કોંગ્રેસના મોટા નેતાઓ જેમ કે તારિક અનવર, અખિલેશ પ્રસાદ સિંહ, કન્હૈયા કુમાર, શકીલ અહેમદ ખાન અને રાજ્યસભા સાંસદ રંજીત રંજન આ બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ અને સાથી પક્ષો વચ્ચે આ રાજ્યો માટે મૈત્રીપુર્ણ રીતે વાતચીત શરૂ થઈ છે. કોંગ્રેસે યુપીમાં અમેઠી, રાયબરેલી, કાનપુર, બલિયા, બારાબંકી, મેરઠ, મહારાજગંજ, રામપુર, સહારનપુર, ઝાંસી, ફતેહપુર સીકરી, જાલૌન, બસગાંવ, મેરઠ અને બિજનૌર જેવી સીટો પર દાવો કર્યો છે. હજુ બન્ને પક્ષ વચ્ચે સમજૂતિ થઈ નથી એટલે સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી અટકળોને ધ્યાનમાં રાખતા રહેવું પડે, પણ બે રાજ્યમાં કૉંગ્રેસ સાથીપક્ષો સાથે આગળ વધી નક્કર પરિણામ સુધી પહોંચશે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
Taboola Feed