
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાને આજે સંસદના સંયુક્ત સત્રમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મધ્યમવર્ગના પરિવારો માટે રહેઠાણ, ઘરોમાં સૂર્ય ઊર્જા લગાવવાની ભેટ આપી છે, પરંતુ ટેક્સ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે 57 મિનિટનું ભાષણ ‘જય હિંદ’ના નારા સાથે પૂરું કર્યું હતું. નાણાં પ્રધાને બજેટમાં કોઈ મોટી જાહેરાત કરી નથી, પરંતુ એક આંકડાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને એ છે 11,11,111.
આ આંકડાને સોકોઈ જાદુઈ ફિગર માને છે. આ વર્ષે બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચર (કેપેક્સ)માં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25 માટે કેપિટલ એક્સપેન્ડિચર 11.1 ટકા વધાર્યું છે. હવે આ રકમની સંખ્યા 11,11,111 કરોડ થાય છે. આ રકમ દેશની કુલ જીડીપીના 3.4 ટકાના બરાબર છે. ગયા વર્ષે બજેટમાં સરકારે કેપિટલ એક્સપેન્ડિચરનો લક્ષ્યાંક 10 લાખ કરોડ રાખ્યો હતો.
નાણાકીય વર્ષ 2024-25માં બજેટનું કુલ કદ 6.1 ટકા વધીને રૂ. 47.66 લાખ કરોડ થયું છે. સરકારી ખર્ચમાં વધારો, કેપેક્સમાં વધારો અને સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે વધુ ફાળવણીને કારણે બજેટનું કદ વધ્યું છે. ચાર વર્ષમાં સરકારનો મૂડી ખર્ચ (કેપેક્સ) ત્રણ ગણો વધ્યો છે. આનાથી દેશને ઝડપી આર્થિક પ્રગતિ કરવામાં મદદ મળી છે. સાથે જ દેશમાં મોટા પાયા પર રોજગારી પણ સર્જાઈ છે. સરકારી મૂડી ખર્ચની અસર અર્થતંત્રમાં ગુણક અસર બનાવે છે. સરકાર એક રૂપિયો ખર્ચે છે, પરંતુ અર્થતંત્રને ત્રણ ગણાથી વધુ લાભ મળે છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત એવિયેશન ક્ષેત્ર માટે નાણા પ્રધાને કરી મોટી વાત
કેન્દ્રીય નાણા પ્રધાને 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરીને દેશમાં એવિયેશન ક્ષેત્રની કાયાપલટ કરવાની બ્લુ પ્રિન્ટ રજૂ કરી હતી. દસ વર્ષમાં એરપોર્ટની સંખ્યા બેગણી વધીને 149 થઈ છે. એવિયેશન ક્ષેત્રે વિસ્તાર ઝડપથી થઈ રહ્યો છે, જેમાં એરપોર્ટની સંખ્યામાં પણ વધારવામાં આવશે. દેશમાં 527 નવા એર કોરિડોરમાં 1.3 કરોડથી વધુ પ્રવાસીએ અવરજવર કરી હતી. નાણા પ્રધાને કહ્યું હતું એક હજારથી વધુ વિમાનનો ઓર્ડર પણ આપ્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્રણ કરોડ રહેઠાણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની નજીકમાં છીએ. આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધુ મકાન બનાવવામાં આવશે. એના સિવાય મકાન અને ઝૂંપડપટ્ટીમાં રહેનારા મધ્યમ વર્ગના લોકોને ઘર ખરીદવા અને બનાવવામાં મદદ મળશે.
સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાના ભાગરુપે એક કરોડ પરિવાર લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પ્રાપ્ત કરશે. પરિવારને દર વર્ષે પંદરથી 18,000 રુપિયાની બચત થશે. ઈલેક્ટ્રોનિક વ્હિકલના ચાર્જિંગની સુવિધા મળશે. મેડિકલ ક્ષેત્રે સૌથી મોટો નિર્ણય લેતા મેડિકલની વધુ કોલેજ ખોલવામાં આવશે, તેના માટે એક કમિટીનું ગઠન કરવામાં આવશે.
સર્વાઈકલ કેન્સરની સારવાર માટે નવથી 14 વર્ષની છોકરીઓ માટે રસીકરણમાં પ્રોત્સાહન આપવામાં આવશે. આયુષમાન ભારત યોજના અન્વયે આરોગ્યની દેખરેખ રાખનારી તમામ આશા કાર્યકર્તાઓ, આંગણવાડીની મહિલાઓ અને સહાયકોને સમાવેશ કરવામાં આવશે.