કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગની હત્યાના રહસ્યો પરથી પડદો ઉઠશે! ટ્રમ્પે આપ્યો આદેશ
મુંબઈ: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ઘણા મોટા ફેરફારો (Donald Trump US president) જોવા મળી રહ્યા છે. ગુરુવારે, ટ્રમ્પે એક મહત્વના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં. ટ્રમ્પે અમરિકાના ત્રણ ભૂતપૂર્વ રાજકારણી અને આગેવાનની હત્યાના મામલે મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડી, સેનેટર રોબર્ટ કેનેડી અને સિવિલ રાઈટ્સ લીડર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના મૃત્યુની ફાઇલો ફરીથી ખોલવામાં આદેશ આપ્યો છે.
નોંધનીય છે, ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન જ આ હત્યાઓ સંબંધિત ફાઇલો ખોલવાનું વચન આપ્યું હતું. જોકે, ઈન્ટેલીજન્સ ઓફિસર્સની સલાહથી તેમણે આ વિચાર છોડી દીધો. પરંતુ બીજા કાર્યકાળ માટે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન, તેમણે ફરી એકવાર તેના વિશે વચનો આપ્યા. હવે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેઓ એક્શનમાં આવી ગયા છે.
જનતાને જાણવાનો અધિકાર:
વ્હાઇટ હાઉસ ખાતે આ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે તેમણે પત્રકારોને કહ્યું કે સત્ય જાહેર કરવામાં આવશે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે સંરક્ષણ, ગુપ્તચર, કાયદો અને વ્યવસ્થા એજન્સીઓ અથવા રાજદ્વારી કામગીરીને કોઈપણ સંભવિત નુકસાન જનતાના જાણવાના અધિકાર કરતાં વધારે નથી.
આદેશ મુજબ, આ લોકોના પરિવારો અને અમેરિકન લોકોને સત્ય જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. રાષ્ટ્રીય હિતમાં, આ હત્યાઓ સંબંધિત તમામ ખુલાસાઓ કોઈપણ વિલંબ વિના કરવા જોઈએ.
આદેશમાં ટોચના નેશનલ સિક્યોરિટી ઓફિસર્સને 15 દિવસની અંદર ટ્રમ્પ સમક્ષ એક યોજના રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ રેકોર્ડ્સને સંપૂર્ણ રીતે કેવી રીતે જાહેર કરવા તેની જાણ કરશે.
ચૂંટાયા પહેલા કર્યો હતો દાવો:
ગયા વર્ષે એક પોડકાસ્ટમાં, ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ ખુલાસામાં વિલંબ કરવાની વિનંતી કરી હતી.
આ હત્યાના અંગે ખુલાસા થશે!
નવેમ્બર 1963માં ડલ્લાસમાં રાષ્ટ્રપતિ કેનેડીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં લી હાર્વે ઓસ્વાલ્ડ મુખ્ય શંકાસ્પદ હતો. હત્યાના બે દિવસ પછી જેક રૂબી દ્વારા ઓસ્વાલ્ડની હત્યા કરવામાં આવી હતી. આનાથી કેનેડીની હત્યા પાછળ મોટું કાવતરું હોવાની શંકા વધુ ઘેરી બની. દરમિયાન, જૂન 1968માં રોબર્ટ એફ. કેનેડીની સિરહાન દ્વારા હત્યા કરવામાં આવી હતી અને એપ્રિલ 1968 માં જેમ્સ અર્લ રે દ્વારા માર્ટિન લ્યુથર કિંગની હત્યા કરવામાં આવી હતી.