ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Tokyo Plane Crash: રામ રાખે તેને કોણ ચાખે: એક વિમાન બીજા સાથે અથડાયું અને લાગી ભીષણ આગ, 379 મુસાફરોનો આબાદ બચાવ

ટોકિયો: ગુજરાતીમાં એક કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે! આ કહેવત ટોકિયોમાં થયેલા એક અકસ્માતમાં જાણે સાચી સાબિત થઇ છે. અહીં એક વિમાન બીજા વિમાન સાથે અથડાતા તેમાં ભિષણ આગ લાગી હતી. આ અકસ્માત થયો ત્યારે વિમાનમાં 379 મુસાફરો હતાં. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર જાપાનની રાજધાની ટોકિયોમાં આવેલ હાનેડા એરપોર્ટ પર મંગળવારે એક કમર્શીયલ પ્લેન લેન્ડ થયા બાદ તે તટરક્ષક દળના વિમાન સાથે અથડાયું હતું. જેને કારણે મુસાફરોથી ભરેલા આ વિમાનમાં આગ લાગી હતી. જોકે આ વિમાનમાં સવાર તમામ 379 મુસાફરોને સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. જોકે તટરક્ષક દળના વિમાનમાં સવાર પાંચનું આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.


જાપાનના શિન ચિટોસેથી ટોકિયો આવેલી એરબસ A-350 આ વિમાન લેન્ડ થઇ રહ્યું હતું ત્યારે તટરક્ષક દળના વિમાન સાથે અથડાયું હતું. આ અકસ્માતને કારણે વિમાનની પાંખોમાં આગ લાગી હતી. આ બનાવની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષા દળની ટીમે આ તમામ મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરુ કરી દીધા હતાં. વિમાનમાં સવાર તમામ મુસાફરોને બચાવ્યા બાદ આખું વિમાન આગમાં ભડકે બળી ઉઠ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button