પૂર્વ PM મનમોહન સિંહ સહિત રાજ્યસભાના 54 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત, 9 કેન્દ્રીય પ્રધાન પણ સામેલ
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને નવ કેન્દ્રીય પ્રધાન સહિત રાજ્યસભાના 54 સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, જેમાંથી સાત કેન્દ્રીય પ્રધાન સહિત 49 સભ્યોનો કાર્યકાળ મંગળવારે પૂરો થયો હતો. બાકીના પાંચ સભ્યોનો કાર્યકાળ આજે પૂરો થશે. આજે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની રાજ્યસભામાંની 33 વર્ષની લાંબી સંસદીય ઇનિંગ્સનો અંત આવ્યો છે.
પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ રાજ્યસભામાં 33 વર્ષની લાંબી ઇનિંગ બાદ નિવૃત્ત થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યસભામાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. તેઓ અત્યાર સુધી લોકસભાના સાંસદ રહ્યા હતા પરંતુ આ વખતે તેમણે રાયબરેલીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.
ડોક્ટર મનમોહન સિંહ અર્થતંત્ર સંબંધિત ઘણા મોટા નિર્ણયો લેવા માટે જાણીતા છે. તેઓ 1991માં પ્રથમ વખત રાજ્યસભામાં પહોંચ્યા હતા અને પીવી નરસિંહરાવની સરકારમાં નાણામંત્રાલયની જવાબદારી સંભાળી હતી. તેઓ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન રહ્યાં હતા હવે તેઓ 91 વર્ષના છે.
54 માંથી સાત કેન્દ્રિય પ્રધાનો રાજ્ય સભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્રપ્રધાન, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા, માહિતી પ્રૌધોગિકી પ્રધાન રાજીવચંદ્ર શેખર, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, વિદેશ રાજ્યપ્રધાન વી મુરલીધર, સૂક્ષ્મ અને લઘુ મધ્યમ ઉદ્યોગપ્રધાન નારાયણ રાણે અને માહિતી પ્રસારણ ખાતાના રાજ્ય પ્રધાન એલ મુરુગનનો સમાવેશ થાય છે. આ સિવાય રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવ અને પર્યાવરણ પ્રધાન ભુપેન્દ્ર યાદવ નો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે. આ વખતે એલ મુરુગન અને અશ્વિની વૈષ્ણવ સિવાય અન્ય તમામ નિવૃત પ્રધાનો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.
નિવૃત થનારા સાંસદોમાં સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન પણ સામેલ છે જો કે તેમને વધુ એક ટર્મ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આરજેડીના મનોજ ઝાને પણ આગામી ટર્મ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. કર્ણાટકમાંથી નસીર હુસેનને પણ કોંગ્રેસે ફરીથી રાજ્યસભામાં મોકલ્યા છે.
નિવૃત્ત થનારા અન્ય સભ્યોમાં ભાજપના મીડિયા ઇન્ચાર્જ અનિલ બલુનીનો પણ સમાવેશ થાય છે. આ વખતે તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને સુશીલ કુમાર મોદી પણ નિવૃત્ત થઈ રહ્યા છે. કોંગ્રેસના અભિષેક મનુ સંઘવીનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે. તેઓ ગયા મહિને રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાંથી હારી ગયા હતા.