ટોપ ન્યૂઝસ્પેશિયલ ફિચર્સ

સુપ્રીમ કોર્ટે કહ્યું “માતા પિતા અને સગાવ્હાલાઓ વાતનું વતેસર કરે છે, સહનશીલતા જ લગ્નજીવન ટકાવશે !”

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પત્ની દ્વારા પતિ પર કરાયેલા દહેજ શોષણ મામલાની સુનાવણી દરમિયાન ટકોર કરતા કહ્યું હતું કે, ” સારા લગ્નનો પાયો સહનશીલતા, સમાયોજન અને પરસ્પરનું સન્માન છે. પતિ-પત્ની દિલમાં એટલું ઝેર લઈને લડે છે કે તેઓ એક ક્ષણ માટે પણ વિચારતા નથી કે જો લગ્ન તૂટશે તો તેમના બાળકો પર શું અસર થશે.”

સર્વોચ્ચ અદાલતે શુક્રવારે કહ્યું કે સહનશીલતા, સમાયોજન અને સન્માન એ સારા લગ્નનો પાયો છે અને નાનામોટા ઝઘડા અને મતભેદો સામાન્ય બાબતો છે, જેને તેઓ બઢાવી ચઢાવીને મોટા બનાવે છે. જેનાથી જોડીએ નષ્ટ થઇ જાય છે અને તેના માટે એવું કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બનાવવામાં આવે છે. એક મહિલા દ્વારા તેના પતિ વિરુદ્ધ દાખલ કરાયેલા દહેજ શોષણ કેસને રદ કરતા કોર્ટે આ વાત કહી. કોર્ટે કહ્યું કે ઘણી વખત પરિણીત મહિલાના માતા-પિતા અને નજીકના સંબંધીઓ હંગામો મચાવે છે અને પરિસ્થિતિને સંભાળવા અને લગ્નને બચાવવાને બદલે, તેમની ક્રિયાઓ નાની નાની બાબતો પર વૈવાહિક બંધનને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે જણાવ્યું હતું કે મહિલા, તેના માતા-પિતા અને સંબંધીઓના મગજમાં સૌથી પહેલા કોઈ વાત આવે છે તે પોલીસ છે, જાણે પોલીસ તમામ બિમારીઓ માટે રામબાણ હોઈ. બેંચે કહ્યું કે બાબત પોલીસ સુધી પહોંચતા જ પતિ-પત્ની વચ્ચે સમાધાનની શક્યતાઓ નષ્ટ થઈ જાય છે. કોર્ટે કહ્યું, “સારા લગ્નનો પાયો સહનશીલતા, સમાયોજન અને એકબીજાનાં આદરમાં રહેલો છે. એકબીજાની ભૂલોને અમુક હદ સુધી સહન કરવી એ દરેક લગ્નજીવનની પૂર્વશરત છે. નાનામોટા ઝઘડાઓ અને મતભેદો એ સામાન્ય બાબતો છે. આવા મુદ્દાઓને બઢાવી ચઢાવીને રજુ કરવામાં આવે છે અને તેના પરિણામે જોડીઓ નષ્ટ થઇ જાય છે , આનાં માટે એવું કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે.

કોર્ટે કહ્યું કે આવા વિવાદોમાં સૌથી વધુ ભોગ બાળકો બને છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું, “પતિ-પત્ની તેમના મનમાં એટલું ઝેર લઈને ઝઘડો કરે છે કે તેઓ એક ક્ષણ માટે પણ વિચારતા નથી કે જો લગ્ન તૂટી જશે તો તેમના બાળકો પર શું અસર થશે.” એવું પણ કહી શકાય કે આ સમગ્ર મામલાને ઠંડા મગજથી લેવાના બદલે, ફોજદારી કાર્યવાહી શરૂ કરવાથી એકબીજા પ્રત્યે તિરસ્કાર સિવાય બીજું કંઈ નહીં થાય. પતિ અને તેના પરિવાર દ્વારા પત્ની સાથે ખરેખર દુર્વ્યવહાર અને હેરાનગતિના કિસ્સાઓ હોઈ શકે છે પરંતુ તેનું સ્તર અલગ અલગ હોઈ શકે છે.”

કોર્ટે કહ્યું કે વૈવાહિક વિવાદોમાં પોલીસ તંત્રની મદદ છેલ્લા ઉપાય તરીકે લેવી જોઈએ. દરેક મામલો કે જ્યાં પત્ની પતિ પર દહેજ શોષણનો આરોપ લગાવે છે ત્યા દરવખતે ભારતીય દંડ સંહિતાની કલમ 498 (A)ને યાંત્રિક રીતે લાગુ કરી શકાય નહિ.

સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને રદ્દ કરીને આ અવલોકન કર્યું હતું, જેણે ફોજદારી કેસને રદ કરવાની પતિની અરજીને ફગાવી દીધી હતી. પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, પુરુષ અને તેના પરિવારના સભ્યોએ કથિત રીતે દહેજની માંગણી કરી અને તેણીને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપ્યો હતો. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે મહિલાના પરિવારે તેના લગ્ન સમયે મોટી રકમ ખર્ચી હતી અને પતિ અને તેના પરિવારને ઘણી રકમ આપી હતી. જો કે લગ્ન પછી અમુક સમય પછી પતિ અને તેનો પરિવાર તેને ખોટા બહાના હેઠળ હેરાન કરવાનું શરૂ કર્યું કે તેણી પત્ની અને પુત્રવધૂ તરીકેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે. તેઓ તેના પર વધુ દહેજ માટે પણ દબાણ કરતા હતા.

બેન્ચે કહ્યું કે એફઆઈઆર અને ચાર્જશીટનું અવલોકન દર્શાવે છે કે મહિલા દ્વારા કરવામાં આવેલા આરોપો ખૂબ જ અસ્પષ્ટ છે, જેમાં ગુનાહિત વર્તનનું કોઈ ઉદાહરણ આપવામાં આવ્યું નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ઉપરોક્ત કારણોસર, અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે જો અપીલકર્તા સામે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે, તો તે કાયદાની પ્રક્રિયાના દુરુપયોગ અને ન્યાયનાં ઉપહાસ કરતાં ઓછું નથી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button