
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બીએસઇ (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) અને એનએસઇ (નેશનલ સ્ટોક એક્સચેન્જ)એ આજે શનિવારે કામકાજ ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ સરકારે બાવીસમી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી હોવાથી નાણાં બજાર સવારના નવ વાગ્યાને સ્થાને બપોરે ૨.૩૦ વાગે ખૂલશે.
દરમિયાન સ્ટોક એક્સચેન્જિસ, ક્લિઅરિંગ કોર્પોરેશન, ડિપોઝિટરીઝ અને બ્રોકર્સ એસોસિયેશન્સ વચ્ચેની મોડી રાતની બેઠક અને વિચારવિમર્શને આધારે સોમવારે શેરબજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.
શેરબજારના ટ્રેડિંગ સેશનમાં સ્ટોક એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી (ડીઆર) સાઈટનું ટ્રાયલ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ પ્રતિકૂળ સંજોગોમાં, માર્કેટ અને રોકાણકારો વચ્ચે સ્થિરતા જાળવી કોઇપણ અડચણ વગર ટ્રેડિંગ ચાલુ રાખવાનો છે.
શનિવારે મોક ટ્રેડિંગ અનેક વાર થાય છે, પરંતુ એક્સચેન્જે જણાવ્યું છે કે ૨૦મી જાન્યુઆરીએ રોકાણકારો તેમાં ટ્રેડિંગ પણ કરી શકશે. એનએસઈના સર્ક્યુલર મુજબ શનિવારે બે ખાસ સત્ર યોજાશે.