ટોપ ન્યૂઝનેશનલ

પુલવામા હુમલા માટેના વિસ્ફટકો એમેઝોન પરથી ખરીદ્યાઃ FATFનો સનસનાટીભર્યો ખુલાસો

આતંકવાદીઓ હવે Amazon, PayPal જેવા ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ ટેરર ફંડિંગ માટે કરે છે!

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ટેરર ફંડિંગ પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. FATFએ જણાવ્યું છે કે આતંકવાદીઓ હવે ભંડોળ એકત્ર કરવા, હથિયારો ખરીદવા અને હુમલાઓ કરવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ઑનલાઇન પેમેન્ટ સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં થયેલા પુલવામા અને ગોરખનાથ મંદિર કેસોને આ અહેવાલમાં ઉદાહરણ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. FATFએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2019 માં જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ એલ્યુમિનિયમ પાવડર ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પરથી ખરીદવામાં આવ્યો હતો. આ પાવડરનો ઉપયોગ IEDની તાકાત વધારવા માટે કર્યો હતો.

આ આતંકવાદીઓ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મના ઉપયોગનું એક ઉદાહરણ છે. આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો.

આપણ વાંચો: પાકિસ્તાન જશે ફરી ગ્રે લિસ્ટમાં? FATF બેઠકમાં ભારત રજૂ કરશે ટેરર ફંડિંગના ‘પાકા’ પુરાવા!

આરોપીએ VPN નો ઉપયોગ કરીને લોકેશન છુપાવ્યું

એપ્રિલ 2022માં થયેલા ગોરખનાથ મંદિર પરના હુમલાનો ઉલ્લેખ કરતા FATFએ જણાવ્યું હતું કે આરોપીએ ISIS માટે પે-પાલ (PayPal) દ્વારા લગભગ ₹6.69 લાખનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મેળવ્યું હતું.

આ દરમિયાન આરોપીએ VPNનો ઉપયોગ કરીને પોતાનું લોકેશન છુપાવ્યું હતું. તેને વિદેશી ખાતાઓમાંથી પણ પૈસા મળ્યા હતા અને તેણે ISIS સમર્થકોને ભંડોળ મોકલ્યું હતું. PayPal એ શંકાસ્પદ પ્રવૃત્તિને કારણે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું.

આપણ વાંચો: ટેરર ફંડિંગ કેસમાં NIAની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં 9 સ્થળો પર દરોડા

કેટલાક દેશોની સરકારથી આતંકવાદને મદદ

FATFના અહેવાલમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક દેશોની સરકારો આતંકવાદી સંગઠનોને નાણાકીય, લોજિસ્ટિક અને તાલીમના રૂપમાં મદદ કરતી રહી છે. ભારતે પહેલા પણ પાકિસ્તાન પર આવા આરોપો લગાવ્યા છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવા અને તેમને હથિયારો પૂરા પાડવામાં સામેલ છે.

FATFએ વધુમાં જણાવ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ પર કરવામાં આવેલા વ્યવહારોમાં ટ્રેકિંગ મુશ્કેલ બની જાય છે, કારણ કે તેમાં ઘણીવાર બનાવટી નામ, નકલી એકાઉન્ટ અને વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્સફર શામેલ હોય છે. આનાથી તપાસ એજન્સીઓ માટે ફંડના સ્ત્રોત અને લાભાર્થીને ટ્રેસ કરવાનું અત્યંત મુશ્કેલ બની જાય છે.

આપણ વાંચો: પુણે, દિલ્હી અને સાંગલીમાંથી ત્રણ દિવસમાં રૂ.3700 કરોડનું ડ્રગ્સ પકડાયું, ટેરર ફંડિંગની આશંકા

આતંકીઓ સામાન વેચીને પૈસા કમાઈ છે

FATF એ ચેતવણી આપી છે કે છેલ્લા 10 વર્ષોમાં ફિનટેક કંપનીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ સર્વિસિસ આપવામાં ઝડપ આવી છે, અને આતંકવાદીઓ હવે પૈસા મોકલવા અને જમા કરવા માટે આ સેવાઓને વધુ પસંદ કરી રહ્યા છે. ઓછી કિંમત, ઝડપી ટ્રાન્સફર અને નકલી ઓળખની સુવિધા તેને તેમના માટે વધુ આકર્ષક બનાવે છે.

રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે આતંકવાદીઓ માત્ર ખરીદી જ નથી કરી રહ્યા, પરંતુ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પોતાના સામાન વેચીને પણ પૈસા એકઠા કરી રહ્યા છે. ઓછા મૂલ્યની વસ્તુઓ પણ વેચવામાં આવી રહી છે જેથી તેમાંથી થતો નફો આતંકવાદી પ્રવૃત્તિઓમાં ખર્ચ કરી શકાય.

FATF એ અહેવાલમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો દુરુપયોગ દુનિયા સામે એક નવો ખતરો છે. ભારતે ફરીથી પુનરાવર્તન કર્યું છે કે પાકિસ્તાન જેવા દેશો, જેઓ આતંકવાદી ભંડોળને રોકવામાં નિષ્ફળ રહ્યા છે, તેમને ‘ગ્રે લિસ્ટ’ માં મૂકવા જોઈએ જેથી તેમના પર દબાણ બનાવી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button