હવે આતંકવાદ અને અલગાવવાદ મુદ્દા નથીઃ પીએમ મોદીએ ઉધમપુરમાં 370 કલમ મુદ્દે આપ્યું મોટું નિવેદન
શ્રીનગરઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રોજ અલગ અલગ રાજ્યની મુલાકાત લઇને ચૂંટણી સભા અને રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. તેમણે એનડીએ સરકાર માટે ‘ઇસ બાર 400 કે પાર…’ નારો આપ્યો છે. આવી જ એક ચૂંટણી રેલીને સંબોધિત કરવા પીએમ મોદી હાલમાં જમ્મુ કાશ્મીરના ઉધમપુર ખાતે ગયા છે.
ઉધમપુરમાં એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે આ એક મજબૂત સરકાર બનાવવાની ચૂંટણી છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે અહીં શાંતિ પ્રવર્તે છે. કલમ 370 હટાવવાથી લોકોને તેમના અધિકારોની પ્રાપ્તિ થઇ છે. જમ્મુ-કાશ્મીરના લોકો વિશ્વાસ અને વિકાસના ફળ ચાખી રહ્યા છે. અહીં દરેક ગામમાં વીજળી પહોંચી ગઈ છે. હવે અહીંના લોકો માટે આતંકવાદ અને અલગાવવાદ કોઈ મુદ્દા નથી.
જનસભાને સંબોધતા પીએમ મોદીએ 1992ની એક્તાયાત્રાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે તેઓ વૈષ્ણોદેવીના દર્શન બાદ લાલ ચોક પર તિરંગો ફરકાવવાના મિશન સાથે ત્યાં પહોંચ્યા હતા. એ સમયે અહીંની બહેનોએ તેમનું ભવ્ય સ્વાગત, સન્માન કર્યું હતું. તે સમયે તેમણે લોકોને આતંકવાદની વર્ષોની પીડામાંથી મુક્ત કરાવવાનું વચન આપ્યું હતું, જે હવે તેમણે પૂરું કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે દશકો પછી આ પહેલી ચૂંટણી છે, જ્યારે આતંકવાદ, અલગતાવાદ, પથ્થરમારો, બંધ, હડતાલ, સરહદ પારથી ગોળીબાર, આ ચૂંટણીના મુદ્દા નથી. વૈષ્ણોદેવી યાત્રા, અમરનાથ યાત્રા હવે સલામત છે. અહીં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ ચૂંટણી દેશમા મજબૂત સરકાર બનાવવાની છે કારણ કે જો સરકાર મજબૂત હોય તો મુશ્કેલીઓ વચ્ચે પણ તે પડકારોનો સામનો કરીને સફળ થાય છે.
પીએમ મોદીએ જણાવ્યું કે પહેલા રાવિ નદીનું પાણી પાકિસ્તાનમાં જતું હતું, હવે આ ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળી જમ્મુના ઘરોમાં રોશની થાય છે, ખેતરોને પાણી મળે છે. વિકસિત ભારત માટે વિકસિત જમ્મુ કાશ્મીર જરૂરી છે, પણ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જમ્મુ અને કાશ્મીરને જૂના જમાનામાં પાછા લઇ જવા માંગે છે. આ પરિવારવાદી પાર્ટીઓએ જમ્મુ કાશ્મીરનો વિકાસ નથી થવા દીધો.
જમ્મુ કાશ્મીરની અગાઉની સરકારો પર પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે હવે અહીં શાળાઓ સળગાવવામા ંનથી આવતી, પણ શણગારવામાં આવે છે. અહીં એઈમ્સ, આઈઆઈટી, આઈઆઈએમ બની રહ્યા છે. હવે અહીં આધુનિક ટનલ, આધુનિક પહોળા રસ્તા, ઉત્તમ રેલ માર્ગ બની રહ્યા છે. હવે હવે અહીં રેકોર્ડ સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવવા લાગ્યા છે. .10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અહીં ચારેબાજુ વિકાસ થઇ રહ્યો છે. એ સમય દૂર નથી જ્યારે અહીં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે અને જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળી જશે અને અહીંના લોકો વિધાનસભ્યો, મંત્રીઓ સાથે તેમના સપના શેર કરી શકશે.