અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ‘સબ સલામત’ હોવાનાં દાવાના લીરેલીરા ઉડાવનારી તાજેતરમાં એક ઘટના બની છે, જેના વીડિયો વાઈરલ થયા પછી પ્રશાસન કામગીરી પર સવાલો ઊભા થયા છે. અમદાવાદમાં છાશવારે અસામાજિક તત્વો જાહેર રસ્તા હોય કે રહેવાસી વિસ્તારોમાં બેફિકર તાંડવ મચાવતા હોય છે, જાણે તેમને પોલીસનો કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ જાહેર રસ્તા પર હથિયારો લઈ આતંક મચાવ્યો હોવાના વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. આ ઘટના સંદર્ભે રખિયાલ અને બાપુનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં નબીરાઓને પકડી પાડ્યા હતા. આમ છતાં જાહેર જનતા અને પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. જાણીએ સમગ્ર કિસ્સાને.
બાપુનગરમાં મચાવ્યો હતો આતંક
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં તલવાર સાથે બેફામ ફરતા હોવાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. રખિયાલ વિસ્તારમાં નૂર હોટેલથી કોઈ બાબતને લઈ વિવાદ થયો હોવાનું કહેવાય છે, જે અંતે બાપુનગર પોલીસ સ્ટેશનની હદ સુધી પહોંચી હતી. બેફામ ટોળકીએ બાપુનગરમાં જાહેરમાં હથિયાર વડે આતંક મચાવ્યો હતો. અને આ દરમિયાન પોલીસની ગાડી ત્યાં પહોંચી ત્યારે અસામાજિક તત્ત્વોએ પોલીસકર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઈશારો કરી જબરદસ્તી ગાડીમાં બેસાડ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ મેટ્રોમાં મુસાફરી વખતે ટિકિટની લાઇનમાં ઊભા રહેવાથી મળશે છૂટકારો, એપ્લિકેશન થઈ લૉન્ચ…
એક આરોપીની ધરપકડ
કાયદાનું ભાન ભૂલેલા શખસોએ પોલીસને પણ બળજબરી કરીને પોલીસ વાનમાં બેસાડ્યાનો વીડિયો વાઈરલ થયા પછી લોકોએ ઘટનાને વખોડી નાખી હતી. જોકે, અસામાજિક તત્વોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ઘટના સંદર્ભે રખિયાલ અને બાપુનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. રખિયાલ પોલીસે સમીર ઉર્ફે ચીકા મહેબૂબ મિયા શેખ નામના આરોપીની ધરપકડ પણ કરી છે, જ્યારે અન્ય ફરાર શખસોની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ પોલીસે તલવાર દેખાડનાર લુખ્ખાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.