ટોપ ન્યૂઝનેશનલ

ભારત જીતવાની લ્હાયમાં તેલંગાણા ગુમાવ્યું! આ એક મોટી ભૂલને કારણે હેટ્રિક ચૂક્યા કેસીઆર

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભગવો લહેરાઇ રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ છે. જો કે આજે ચારેય રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં તેલંગાણાના પરિણામો ખરા ગેમચેન્જર સાબિત થયા છે કારણકે લાંબા સમયથી તેલંગાણામાં શાસન ભોગવી રહેલી ટીઆરએસને પછાડીને આ વખતે કોંગ્રેસ ચેમ્પિયન બન્યું છે.

2013માં રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયા બાદ તેલંગાણામાં આ ત્રીજીવારની વિધાનસભા ચૂંટણી છે. દક્ષિણ ભારતના રાજકારણમાં મોટાભાગે સ્થાનિક પક્ષોનો દબદબો હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર કોંગ્રેસને સ્પષ્ટ બહુમત હાંસલ થઇ છે અને મુખ્યપ્રધાન કેસીઆર હેટ્રિક ચૂકી ગયા છે. રાજ્યના 2 વાર મુખ્યપ્રધાન રહી ચુકેલા કેસીઆર માટે આ એક મોટો ફટકો છે. જો કે તેમની અમુક પ્રવૃત્તિઓને જોતા એવું કહી શકાય કે આવું થવું સ્વાભાવિક હતું. કેસીઆર સતત પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે પ્રસ્થાપિત કરવાની મહત્વાકાંક્ષામાં પોતાના ઘરની ચૂંટણી એટલે કે તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં જ ધ્યાન આપી શક્યા નહિ. રાષ્ટ્રીય રાજનીતિ પ્રત્યેના ઝુકાવની સીધી અસર હવે પરિણામોમાં દેખાઇ રહી છે. કદાચ એમના વધુ પડતા આત્મવિશ્વાસે જ તેમને નુકસાન કરાવ્યું.


વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ટીઆરએસ પાર્ટીએ પ્રચંડ જીત મેળવી હતી. એ પછી તેઓ અવારનવાર લોકસભા ચૂંટણી માટે ત્રીજા મોરચાની વાત કરી રહ્યા હતા. ઓક્ટોબર 2020માં પોતાના પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે પ્રસ્થાપિત કરવા તેમણે તેનું નામ સુદ્ધાં બદલીને ટીઆરએસ(તેલુગુ રાષ્ટ્ર સમિતિ) ને બદલે બીઆરએસ (ભારત રાષ્ટ્ર સમિતિ) કરી નાખ્યું હતું. આ ઉપરાંત તેઓ વિપક્ષી ગઠબંધન INDIA એલાયન્સમાં પણ સામેલ ન થયા.


તેલંગાણા ચૂંટણીને આડે માંડ એક વર્ષ બાકી રહ્યું હતું અને કોંગ્રેસ-ભાજપ બંને ભ્રષ્ટાચારના મુદ્દે ટીઆરએસ વિરોધી હવા રાજ્યમાં ઉભી કરી રહ્યા હતા તે સમયે કેસીઆર રાજ્યમાં રહેવાને બદલે મહારાષ્ટ્ર પહોંચી ગયા અને 700-700 કારનો કાફલો લઇને લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો પ્રસાર કરવામાં વ્યસ્ત બની ગયા. આ રેલીઓમાં તેમની સાથે તેલંગાણા કેબીનેટના મંત્રીઓ પણ જતા હતા. અલગ અલગ રાજ્યોમાં જઇને ત્યાંના નેતાઓને મળવું, તેમની સાથે લોકસભાની રણનીતિઓ વિશે ચર્ચા કરવી એ બધામાં કેસીઆર રત થઇ ગયા અને અહીં તેલંગાણા ઝૂંટવાઇ રહ્યું છે તેનો તેમને ખ્યાલ પણ ન રહ્યો.


કેસીઆરની ઇચ્છા હતી કે આ વખતે તેલંગાણાની ચૂંટણીમાં પોતાના દીકરા કેટીઆરને મુખ્યપ્રધાન બનાવીને પોતે દિલ્હી જીતવા પ્રયાણ કરશે. કેટીઆરને તેમણે મંત્રીપદ પણ આપ્યું હતું. તેઓ તેલંગાણાની જીતને લઇને વધુ પડતા આશ્વસ્ત હતા. જો કે હવે તેલંગાણાની પ્રજાએ આ વખતે કોંગ્રેસને મોકો આપતા કેસીઆર પોતાના ઘરમાં જ હારી ગયા છે અને તેમના દરેક દાવ ઉંધા પડી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button