વર્લ્ડ કપ મેચમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે જંગમાં ઉતરશે. બંને ટીમો વચ્ચેની આ શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ બે મેચ જીત્યા બાદ ડ્રાઇવિંગ સીટ પર હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તેમ છતાં ટીમ ઇન્ડિયામાં કેટલીક ખામીઓ છે. જો આ સુધારી લેવામાં આવે તો ટીમ ઈન્ડિયાનું વિજેતા અભિયાન અને વર્લ્ડ કપ જીતવાનો દાવો અકબંધ રહેશે.
સતત બે મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને હજુ પણ કેટલાક વિભાગોમાં સુધારાની જરૂર છે. જો આપણે ઈશાન કિશનથી શરૂઆત કરીએ તો દિલ્હીની મેચમાં તેણે 47 રન બનાવ્યા હતા, પરંતુ તેની ઈનિંગમાં વધુ આત્મવિશ્વાસ નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તે ખૂબ જ બેજવાબદારીપૂર્વક શોટ રમીને શૂન્ય રને આઉટ થયો હતો. શુભમન ગીલની ગેરહાજરીમાં ઈશાન કિશન પાસે ઓપનર તરીકે મજબૂત રીતે સ્થાપિત થવાની મોટી તક છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જસપ્રિત બુમરાહે અફઘાનિસ્તાન સામે 39 રનમાં ચાર વિકેટ લીધી હતી, પરંતુ તેના બોલિંગ પાર્ટનર મોહમ્મદ સિરાજે બીજા છેડે ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની 9 ઓવરમાં 76 રન આપ્યા હતા. હવે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોહમ્મદ સિરાજના સ્થાને મોહમ્મદ શમીને તક આપવામાં આવી શકે છે. જોકે સિરાજે એશિયા કપની ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું હતું, તેથી તેને કદાચ ટીમની બહાર નહીં કરવામાં આવે, પણ શાર્દુલ ઠાકુરને બહાર બેસાડવામાં આવી શકે છે.
11 ઓક્ટોબરના રોજ ICC ક્રિકેટ વર્લ્ડ કપની 9 નંબરની મેચમાં, જ્યારે સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો ત્યારે ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું હતું. આ પછી ઘણા ક્રિકેટ એક્સપર્ટે પણ આના પર સવાલ ઉઠાવ્યા હતા. કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કર અને કોમેન્ટ્રી બૉક્સમાં હાજર ઇરફાન પઠાણે પણ કહ્યું હતું કે અશ્વિનને ટીમમાં રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામે વર્લ્ડકપની પ્રથમ મેચમાં શાર્દુલ ઠાકુરની વિદાય થઈ શકે છે અને ફરી એકવાર ટીમ ઈન્ડિયા રવિચંદ્રન અશ્વિન પર ભરોસો ફરી શકે છે, જ્યારે બીજો વિકલ્પ મોહમ્મદ શમી હશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોહમ્મદ શમી માટે એક રીતે હોમ ગ્રાઉન્ડ છે. મોહમ્મદ શમીએ આઈપીએલમાં આ સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શમીએ IPL 2023ની કુલ 17 મેચમાં 28 વિકેટ લીધી હતી. IPL-2023માં શમીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 મેચમાં 17 વિકેટ ઝડપી હતી.
ભારતની જેમ પાકિસ્તાની ટીમ પણ શ્રીલંકાને હરાવીને અમદાવાદ પહોંચી છે. શ્રીલંકાના 345 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન (131) અને અબ્દુલ્લા શફીક (113)ની સદીની મદદથી માત્ર 48.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા ઐતિહાસિક પ્રદર્શન બાદ બાબર એન્ડ કંપની વિજેતા ટીમ કોમ્બિનેશન અને છલકતા આત્મવિશ્વાસ સાથે સ્ટેડિયમમાં પ્રવેશ કરશે.
પાકિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:-
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી/રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ભારત સામે પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન:-
અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ.
Taboola Feed