નવી દિલ્હી: આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટે (Supreme court) એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો, સુપ્રીમ કોર્ટે નાગરિકતા કાયદાની કલમ 6A ની માન્યતા આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે 4-1ના બહુમતીના ચુકાદા સાથે કલમ 6Aને માન્ય જાહેર કરી હતી. માત્ર જસ્ટિસ જેબી પારડીવાલાએ આ મુદ્દે અસંમતિ દર્શાવી હતી. 1 જાન્યુઆરી, 1966 થી 25 માર્ચ, 1971 સુધીના બાંગ્લાદેશથી આવેલા વસાહતીઓને મળેલી ભારતીય નાગરિકતાયોગ્ય ઠેરવવામાં આવી છે.
ગયા વર્ષે 12 ડિસેમ્બરે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદાને અનામત રાખ્યો હતો. CJI ડી વાય ચંદ્રચુડે કહ્યું કે આસામ સમજૂતી એ વધતા જતા સ્થળાંતરના મુદ્દાનો રાજકીય ઉકેલ હતો, જ્યારે 6A એ કાયદાકીય ઉકેલ હતો.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે કેન્દ્ર સરકાર આ કાયદાને અન્ય ક્ષેત્રોમાં પણ લાગુ કરી શકી હોત પરંતુ તેમ કરવામાં આવ્યું નહીં, કારણ કે તે આસામ માટે જ હતો, કારણ કે તે આસામ માટે વ્યવહારુ હતો. CJIએ કહ્યું કે 25 માર્ચ 1971ની કટ-ઓફ તારીખ યોગ્ય હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સમયે પૂર્વ પાકિસ્તાનમાંથી આસામમાં આવનારા લોકોની સંખ્યા આઝાદી પછી ભારતમાં આવતા લોકોની સરખામણીએ ઘણી વધારે હતી.
કોર્ટના નિર્ણયનો અર્થ એ છે કે 1 જાન્યુઆરી, 1966 થી 25 માર્ચ, 1971 સુધીના બાંગ્લાદેશથી આવેલા વસાહતીઓ ભારતીય નાગરિકતા માટે પાત્ર છે. આ અંતર્ગત જેમને નાગરિકતા મળી છે, તેમની નાગરિકતા અકબંધ રહેશે. જો કે, 25 માર્ચ, 1971 પછી આસામમાં આવેલા વિદેશીઓ ભારતીય નાગરિકતા માટે પાત્ર નથી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે 1966થી પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માંથી ગેરકાયદેસર શરણાર્થીઓના આગમનને કારણે રાજ્યનું વસ્તી સંતુલન બગડી રહ્યું છે. રાજ્યના મૂળ રહેવાસીઓના રાજકીય અને સાંસ્કૃતિક અધિકારોનું હનન થઈ રહ્યું છે.
આસામ સમજૂતી હેઠળ ભારતમાં આવતા લોકોની નાગરિકતાનો મુદ્દો હલ કરવા માટે નાગરિકતા અધિનિયમમાં કલમ 6A ઉમેરવામાં આવી હતી.
5 ડિસેમ્બર, 2023 ના રોજ, સુપ્રીમ કોર્ટે આસામમાં નાગરિકતા કાયદાની કલમ 6A સંબંધિત 17 અરજીઓ પર 5 ન્યાયાધીશોની બેંચએ સુનાવણી શરૂ કરી હતી. કોર્ટે કહ્યું કે 1966 અને 1971 ની વચ્ચે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવાથી આસામની વસ્તી અને સાંસ્કૃતિક ઓળખ પર કોઈ અસર પડી હોય તેવા કોઈ પુરાવા નથી.
Also Read –