નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે (Supreme court) મોટી રાહત આપી છે. દારૂ નીતિ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈ(CBI)એ કરેલી ધરપકડ સામે કોર્ટે કેજરીવાલને જામીન આપી દીધા છે. તેમને ED કેસમાં પહેલા જ જામીન મળી ચૂક્યા છે. હવે તેમને CBI કેસમાં પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
કેજરીવાલ માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જોકે, જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે. જામીન માટેની એ જ શરતો તેમના પર લાગુ થશે, જે ED કેસમાં જામીન આપતી વખતે લાદવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં. આ સાથે તેમની ઓફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે. તેઓ આ મામલે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ કરી શકશે નહીં.
જામીન માટેની શરતો:
- અરવિંદ કેજરીવાલ ન તો મુખ્ય પ્રધાન કાર્યાલય જઈ શકશે કે ન તો સચિવાલય.
- કોઈપણ સરકારી ફાઇલ પર જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી સહી નહીં કરે.
- ટ્રાયલ અંગે કોઈ જાહેર નિવેદન અથવા ટિપ્પણી કરશે નહીં.
- કોઈપણ રીતે કોઈ સાક્ષી સાથે વાત નહીં કરે.
- આ કેસ સાથે સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઇલની ઍક્સેસ નહીં હોય.
- જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.
કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીને કારણે 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું. આ મામલે ED અને CBI બંને તપાસ કરી રહી છે. કેજરીવાલને 12 જુલાઈએ ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. હવે તેને સીબીઆઈ કેસમાં પણ જામીન મળી ગયા છે.