
નવી દિલ્હી: આત્મહત્યાની ઉશ્કેરણીના એક કેસમાં સર્વોચ્ચ અદાલતે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઘણીવાર 2 લોકો વચ્ચે ઉગ્ર વિવાદ થાય ત્યારે આવેશમાં બોલાયેલા શબ્દોમાં જો ગંભીરતા ન હોય તો તેને ‘આત્મહત્યાની ઉશ્કેરણી કરાઇ છે’- તેવું માનવામાં નહી આવે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સંબંધો તૂટવા એ સામાન્ય બાબત છે અને પ્રેમીએ પ્રેમિકાને તેના માતાપિતાની મરજી મુજબના યુવાન સાથે લગ્ન કરી લેવાનું કહ્યું હતું, અને તે પોતે પણ એવું કરવા જઇ રહ્યો હતો. પ્રેમીની આ વાતને પગલે પ્રેમિકાને ઉંડો આઘાત લાગ્યો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. સુપ્રીમે ચુકાદામાં કહ્યું હતું કે આરોપી પ્રેમીએ સંબંધ તોડીને પ્રેમિકાને દુ:ખ પહોંચાડ્યું પણ હવે દિલ તૂટવું એ તો સામાન્ય ઘટના થઇ ગઇ છે. દરરોજ જીવાતી જીંદગીનો ભાગ છે, એટલે ફક્ત આ કારણથી આરોપી સામે આત્મહત્યાની ઉશ્કેરણીનો કેસ બનતો નથી.
કલમ 306 હેઠળ આત્મહત્યાની ઉશ્કેરણીનો કેસ ત્યારે બને જ્યારે તેમાં આરોપીએ કોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પીડિતને હાનિ પહોંચાડી હોય. જ્યારે આરોપી દ્વારા બોલાયેલા શબ્દોથી એવું ફલિત થતું હોય કે તેના દ્વારા પીડિત કોઇ ખોટું પગલું ભરી શકે એમ છે. જ્યારે આ કેસમાં તો ઉલટાનું આરોપી પ્રેમીએ તેને માતાપિતાની મરજીના યુવક સાથે સંસાર માંડીને જીવનમાં આગળ વધી જવા જણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે વધુમાં કહ્યું હતું કે ઝઘડા વખતે આક્સ્મિકપણે જ આવેશમાં આવી જઇને બોલાયેલા શબ્દો એ ક્ષણિક ગુસ્સાનું પરિણામ હોય છે. તેમાં કંઇ ગંભીર ન પણ હોઇ શકે. જો બોલાયેલા શબ્દોમાં એવી ગંભીરતા ન હોય તો તેને આત્મહત્યા માટેની ઉશ્કેરણી ન ગણી શકાય. કોઇની પર ‘ઉશ્કેરણી’નો આરોપ લગાવવા માટે, એ વાત સાબિત થવી જરૂરી છે કે આરોપીએ તેના કૃત્યો, વર્તન અથવા અવગણના દ્વારા સતત એવા સંજોગો ઉભા કર્યા છે કે જેમાં પીડિતને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હોય.