પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં મતદાન દરમિયાન પથ્થરમારો
કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2024ના પહેલો તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. એવા સમાચાર આવી રહ્યા છે કે પ. બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 15 ટકા મતદાન થયું છે. દરમિયાનમાં એવા સમાચાર આવી રહ્યા છે કે પશ્ચિમ બંગાળના કૂચ બિહાર વિસ્તારમાં મતદાન દરમિયાન પથ્થરમારો થયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓએ કૂચ બિહારના ચાંદમારીમાં મતદારોને રોકવા માટે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં ભાજપના બૂથ પ્રમુખ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
પ્રથમ તબક્કામાં લોકસભાની 102 સીટ માટે આજે મતદાન થઇ રહ્યું છે, એવા સમયે પ. બંગાળમાં હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવ્યા હોવા ઉપરાંત વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.
પહેલા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે તે તમામ લોકસભા સીટોમાં તમિલનાડુ (39), ઉત્તરાખંડ (5), અરુણાચલ પ્રદેશ (2), મેઘાલય (2),મિઝોરમ (1), નાગાલેન્ડ (1), પુડુચેરી (1), સિક્કિમ (1) અને લક્ષદ્વીપ (1). આ ઉપરાંત રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, આસામ અને મહારાષ્ટ્રની 5-5, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 2 અને ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ અને આંદામાન નિકોબાર દ્વિપસમુહની એક-એક બેઠક માટેના મતદાનનો સમાવેશ થાય છે.
આજે 16.63 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદારોમાં 8.4 કરોડ પુરૂષો, 8.23 કરોડ મહિલાઓ અને 11,371 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. 35.67 લાખ લોકો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે. મતદારોમાં 20-29 વર્ષની વયજૂથના 3.51 કરોડ યુવા મતદારોનો પણ સમાવેશ થાય છે.