
મુંબઈ: શેરબજારની(Stock Market) તેજીને આજે બ્રેક લાગી છે. જેમાં આજે સેન્સેક્સ 67 પોઈન્ટ ઘટીને 84860 ના સ્તર પર ખુલ્યો. જ્યારે નિફ્ટી પણ 17 પોઈન્ટના ઘટાડા સાથે 25921 પર ખુલ્યો હતો. જેમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ, નેસ્લે, ટાટા મોટર્સ, એચડીએફસી બેંક, સન ફાર્મા, રિલાયન્સ જેવા શેરો વધી રહ્યા છે. જ્યારે ઈન્ફોસીસ, હિન્દુસ્તાન યુનિલીવર, બજાજ ફાઈનાન્સ, કોટક બેંક, એચસીએલ ટેક, અલ્ટ્રાટેક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક, આઈટીસી, ટાઈટન વગેરેમાં ઘટાડો છે. બજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ હાવી છે.
મોટાભાગના શેર ઘટાડા સાથે ટ્રેડ
શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ પરના મોટાભાગના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, કોટક બેંક જેવા શેર સૌથી વધુ ઘટ્યા છે અને 1 ટકા સુધીના નુકસાનનો સામનો કરી રહ્યા છે. ઈન્ફોસીસ ઉપરાંત ટીસીએસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રાના આઈટી શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ મેટલ શેરો બજારને ટેકો આપી રહ્યા છે. ટાટા સ્ટીલ 2 ટકાથી વધુ મજબૂત છે. JSW સ્ટીલ લગભગ 1.80 ટકાના નફામાં છે.
એશિયન બજારોમાં ચીનના પ્રોત્સાહક પગલાંના આશાવાદ વચ્ચે બજારોમાં વેપાર થયો. જાપાનનો નિક્કી 225 1.47 ટકા વધ્યો હતો. જ્યારે ટોપિક્સ 1 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.6 ટકા અને કોસ્ડેક 0.68 ટકા વધ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 2.18 ટકા વધ્યો હતો.જ્યારે યુએસ શેરબજારો S&P 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ સાથે રાતોરાત સાધારણ ઉછાળા સાથે બંધ થયા.