શેરબજારમાં જબ્બર તેજી: સેન્સેક્સમાં ૧૩૫૯ પોઇન્ટનો જંગી ઉછાળો…

મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે ચાર વર્ષના ગાળા પછી વધારેલા વ્યાજદર સાથે વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટમાં જોવા મલેલા ઉછાળા સાથે તાલ મિલાવતા સાર્વત્રિક લાવલાવ વચ્ચે સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી જ વખત ૮૪,૫૦૦ની સપાટી વટાવી છે, તો નિફ્ટી ૨૫,૮૦૦ની નજીક પહોંચી ગયો છે. સત્રને અંતે સેન્સેક્સ ૧,૩૫૯.૫૧ પોઈન્ટ અથવા ૧.૬૩ ટકાના ઉછાળા સાથે ૮૪,૫૪૪.૩૧ની સપાટીએ અને નિફ્ટી ૩૭૫.૧૫ પોઈન્ટ અથવા ૧.૪૮ ટકા વધીને ૨૫,૭૯૦.૯૫ના સ્તરે પહોંચ્યો હતો.
અમેરિકા ખાતેૈ પાછલા સત્રમાં ડાઉ જોન્સ અને એસએન્ડપી ૫૦૦માં નવી વિક્રમી ઊંચી સપાટી જોવા મળતાં ગ્લોબલ બુલ રનને સમર્થન મળ્યું હોવાનું બજારના સાધનો માને છે. એશિયાઇ બજારોમાં સિઓલ, શાંઘાઇ, હોંગકોંગ અને ટોકિયોના શેરબજારો પોઝિટિવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. યુરોપના બજારો નીચા મથાળે ટ્રેડ થઇ રહ્યાં હતા જોકે તેની ભારતીય શેરબજાર માનસ પર વધુ અસર જોવા મળી નહોતી.
સ્થાનિક બજારો વૈશ્ર્વિક પ્રવાહને આધારે પ્રારંભિક સત્રમાં જ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને બપોર પછીના સત્રમાં વોલેટીલિટી વચ્ચે ગબડ્યા પણ હતા, જોકે અંતે સવારના સત્ર જેટલો જ સુધારો ફરી હાંસલ કરવામાં સફળ રહ્યા હતાં. પ્રથમ અર્ધસત્રમાં સકારાત્મક ટોન જોવા મળ્યો હતો, જોકે ઉત્તરાર્ધમાં અફડાતફડીએ સટોડિયાઓના જીવ ઊંચા કરી નાંખ્યા હતા.
બેન્ચમાર્ક ઇન્ડેક્સની હિલચાલને પ્રતિબિંબિત કરતા, તમામ મુખ્ય ક્ષેત્રોના ઇન્ટાઇસિસમાં ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં રિયલ્ટી, ઓટો અને મેટલ શેરો અગ્રેસર રહ્યાં હતા. વ્યાપક શેરઆંકો પણ તેમના તાજેતરના નીચા સ્તરેથી પાછાં ફર્યા હતા અને તેમાં ૦.૯ ટકાથી ૧.૬ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સ્થાનિક બજાર ખાસ કરીને અમેરિકાની ફેડરલના વલણને કારણે વૈશ્ર્વિક બજારોમાંથી મળી રહેલા સંકેતોને નજીકથી અનુસરવાનું ચાલુ રાખ્યું છે, જેની તાજેતરની મજબૂતાઈએ નિફ્ટીને ૨૫,૫૫૦ પ્રતિકાર સ્તરને તોડવામાં સક્ષમ બનાવ્યું છે. ધ્યાન હવે ૨૬,૦૦૦ના આગામી માઈલસ્ટોન પર કેન્દ્રિત છે. આગામી સમયમાં સેક્ટરના ધોરણે બેન્કિંગ, નાણાકીય, ઓટો અને રિયલ્ટી જેવા ક્ષેત્રોમાં વધુ આકર્ષણ રહી શકે છે. રોકાણકારોએ ઈન્ડેક્સ હેવીવેઈટ્સ અને લાર્જ મિડકેપ્સ પર ધ્યાન આપવું જોઇએ.