તો આ કારણે થયો ગુજરાત અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ…
ગાંધીનગર/મુંબઈ: બે દિવસથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો હતો. ગુજરાતની વાત કરીએ તો રવિવારે એકલા અમદાવાદ શહેરમાં 2000 જેટલા લગ્ન સમારંભો કે શુભપ્રસંગો હતા, પણ વરસાદને કારણે બધું પાણીમાં ગયું. લોકોનો મૂડ બગડ્યો અને પૈસા પણ બગડ્યા. આ બધાએ મૂહુર્ત જોઈ વ્યવસ્થા કરી હતી, પરંતુ ભૌગોલિક સ્થિતિ અંગે વહેલી ખબર પડી નહીં અને હવામાન વિભાગની આગાહીએ પણ સ્થિતિ આટલી ગંભીર સર્જાશે તે કહ્યું ન હતું અને લોકોને પણ અંદાજ ન આવ્યો.
શનિવાર રાતથી વાતાવરણ પલટાયું ને રવિવારે તો જાણે કાળા ડિબાંગ આકાશ અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ગુજરાતમાં તો અમુક જગ્યાએ કરા પણ પડ્યા અને ચોમેર ખેતીવાડીને પણ ભયંકર નુકસાન થયું અને આ સાથે વીજળી પડવાથી અને વૃક્ષો ધરાશાયી થવાથી વીસ લોકોએ જીવ ગુમાવ્યો. ગુજરાતમાં તો આ સ્થિતિ હતી પણ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પણ વરસાદ વરસ્યો અને ચારના જીવ ગયા. આ બધા પાછળનું કારણ હતું દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રથી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધી વિસ્તરેલ અપર એર ટ્રફ હોવાનું હવામાન ખાતું કહે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સાથેના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારો અને રાજસ્થાનના ભાગોમાં વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે નવો પશ્ચિમી વિક્ષેપ શનિવારથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. આ વિક્ષેપ એટલે નીચા દબાણની સિસ્ટમ છે, જે ભૂમધ્ય સમુદ્ર પર ઉદ્દભવે છે અને ભેજ એકત્ર કરે છે અને પૂર્વ તરફ આગળ વધે છે. જે પછી ઉત્તર ભારતમાં વરસાદનું કારણ બને છે.
મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સહિતના દરિયાકાંઠાના ભારતના ભાગોમાં ભારે કમોસમી વરસાદ થયો હતો. જ્યારે દિલ્હી, કાશ્મીર, કેરળ અને તમિલનાડુ સહિતના અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જીરૂ, રાય વગેરેના પાકોને વ્યાપક નુકસાન થયું છે. ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલએ સર્વે કરવાની અને તે બાદ ખેડૂતો માટે પેકેજ જાહેર કરવાની વાત કરી છે. ગુજરાતમાં ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, અમરેલી, જામનગર, સુરત અને વલસાડ વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નુકસાન પણ વધારે થયું છે. આ તમામ જિલ્લાઓ સહિત લગભગ 250 જેટલા તાલુકમાં ઓછાવધતા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો.