
અમદાવાદ: અમદાવાદના ચાંગોદરમાં સોસાયટીના એક મકાનમાં ચાલતા કોલ સેન્ટરથી શેરબજારના નામે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરીને સ્ટેટ મોનીટરિંગ સેલના (SMC) તપાસનીશ અધિકારીઓની ટીમે પાંચ સાયબર ગઠિયાઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે સહિત કુલ રૂ 31,66,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ચાંગોદરના મોરૈયા ગામની સેપાન વિલા સોસાયટીના એક મકાનમાં બેસીને પાંચ સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને શેર બજારના નામે રોકાણ કરાવીને લોકોને ફસાવી રહ્યા હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. બાતમીના આધારે દરોડો પાડીને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
લાખોનું રોકાણ કરાવીને આચરતા લૂંટ
પોલીસની તપાસમાં વધુ વિગતો જાણવા મળે તેવી સંભાવના છે. મળતી વિગતો અનુસાર યુવકોએ એક મકાનની અંદર કોલ સેન્ટર શરૂ કરી લોકોને શેરબજારની ટીપ્સની લાલચ આપીને થોડી રકમ કમાઇને પણ આપે. આ રીતે સામેના વ્યક્તિને વિશ્વાસમાં લેવામાં આવે અને સામેના વ્યક્તિને વિશ્વાસ બેસી જાય એટલે લાખો રૂપિયાનું રોકાણ કરાવીને ફોન બંધ કરી દઈને લૂંટ કરતાં હતા.
આ પણ વાંચો…ફરી ગુજરાતની ધરા ધ્રુજી; વલસાડમાં 3.7ની તીવ્રતા ભૂકંપનો આંચકો
31,66,200 નો મુદ્દામાલ જપ્ત
આ રીતે લોકોને ઠગતા પાંચ આરોપીની SMCની ટીમે મોરૈયામાંથી ધરપકડ કરી છે. પોલીસે રણજીતજી ઠાકોર, દિલીપકુમાર ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, વિપુલજી ઠાકોર, રાહુલજી ઠાકોરને ઝડપી લીધા છે. તેમની પાસેથી 19 મોબાઇલ અને ઘણી વિગતો પણ મળી આવી છે. પોલીસે રોકડ રૂ. 55,000 રોકડ, રૂ. 1,11,000 કિંમતના 19 મોબાઈલ, 4 મોબાઈલ ચાર્જર, રૂ. 30,00,000 કિંમતનું વાહન સહિત કુલ રૂ 31,66,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.