કોલકાતાઃ સિંગુર જમીન વિવાદમાં સીએમ મમતા બેનરજીના મમતની હાર થઇ છે અને ટાટા મોટર્સે મોટી જીત મેળવી છે. ટાટા મોટર્સે સિંગુર-નેનો પ્રોજેક્ટના વળતરનો કેસ જીતી લીધો છે. સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે આ કેસનું સમાધાન કર્યું છે અને ટાટા મોટર્સની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેમાં બંગાળ સરકારે સિંગુરમાં નેનો ફેક્ટરી બંધ કરવા માટે ટાટા મોટર્સને સપ્ટેમ્બર 2016થી 11 ટકા વ્યાજ સાથે 765.78 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. બંગાળ સરકાર માટે આ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
આ કેસ ઘણો લાંબો ચાલ્યો અને લોકોના માનસપટ પરથી કદાચ આ કેસની વિગતો પણ ભૂંસાઇ ગઇ હશે, તો આપણે આ કેસની વિગતો સમજીએ. ટાટા સિંગુરમાં નેનો પ્લાન્ટ સ્થાપી રહ્યા હતા અને ડાબેરી સરકારે પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી હતી. 18 મે, 2006ના રોજ, ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાએ પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને તત્કાલીન વાણિજ્ય રાજ્ય પ્રધાન નિરુપમ સેન સાથેની બેઠકમાં, સિંગુરમાં ટાટા મોટર્સના નાના કાર પ્રોજેક્ટની સ્થાપનાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટાએ જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા પ. બંગાળ રાજ્યમાં ફેક્ટરી સ્થાપી અહીંના સ્થાનિકો માટે રોજગારી ઊભી કરવાની તેમની ઇચ્છા છે.
ત્યાર બાદ પ્રોજેક્ટ માટે 1 હજાર એકર જમીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે સમયે મમતા બેનરજી વિપક્ષમાં હતા, તેમણે આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. મમતાએ ડાબેરી મોરચાની સરકાર પર સિંગુરમાં ટાટા માટે બળજબરીથી જમીન સંપાદન કરવાનો આરોપ લગાવતા આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે મમતા બેનરજીની સરકાર આવી ત્યારે તેમણે કાયદો બનાવ્યો અને સિંગુરની લગભગ 1000 એકર જમીન ખેડૂતોને પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. લગભગ 13 હજાર ખેડૂતો પાસેથી જમીન લેવામાં આવી હતી.
12 સપ્ટેમ્બર, 2008ના રોજ ટાટા અને રાજ્ય સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. જે પછી, દુર્ગા પૂજા તહેવારના બે દિવસ પહેલા 3 ઓક્ટોબર, 2008 ના રોજ બપોરે, રતન ટાટાએ કોલકાતાની પ્રાઇમ હોટેલમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સિંગુરમાંથી નેનો પ્રોજેક્ટમાંથી બહાર લઇ જવાની જાહેરાત કરી હતી.
ટાટા- પ. બંગાળ સરકારની લડાઇમાં ત્રીજો એટલે કે ગુજરાત ફાવી ગયું હતું. તે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નેનો પ્રોજેક્ટનું લાલ જાજમ બિછાવી સ્વાગત કર્યું હતું અને આમ 2008માં થયેલા આંદોલનને કારણે ટાટાની ફેક્ટરી ગુજરાતના સાણંદમાં શિફ્ટ થઇ ગઇ હતી. આ માટે મમતા બેનરજીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસના આંદોલનને જવાબદાર ગણવામાં આવ્યું હતું.
ફેક્ટરી ગુજરાતમાં ટ્રાન્સફર થઈ ત્યાં સુધીમાં કંપની લગભગ એક કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂકી હતી. ટાટા મોટર્સે 2011માં મમતા સરકારના નિર્ણયને પડકાર્યો હતો, જેના દ્વારા કંપની પાસેથી અધિગ્રહણ કરાયેલી જમીન છીનવી લેવામાં આવી હતી. 2016 માં, સુપ્રીમ કોર્ટે જમીન સંપાદન કાયદાની જોગવાઈઓનું પાલન ન કરવાને કારણે સિંગુરમાં જમીન સંપાદન કરવાના ડાબેરી મોરચા સરકારના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો હતો.
આ પછી ટાટા મોટર્સે જમીન લીઝ કરારની કલમ ટાંકીને વળતરની માગ કરી હતી અને દાવો દાખલ કર્યો હતો. કલમમાં એવો સમાવેશ થતો હતો કે જો જમીન સંપાદન ગેરકાયદેસર માનવામાં આવે તો રાજ્ય કંપનીને સાઇટ પર કરવામાં આવેલા મૂડી ખર્ચ માટે વળતર આપશે. ટાટા મોટર્સે એમ પણ કહ્યું કે નિર્ણય મુજબ ટાટા મોટર્સ કાનૂની કાર્યવાહીમાં ખર્ચવામાં આવેલ રૂ. 1 કરોડ મેળવવા માટે પણ હકદાર છે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે