loksabha સંગ્રામ 2024ટોપ ન્યૂઝનેશનલ

એમપીમાં ‘શિવ’ ગયા ‘મોહન’ આવ્યાઃ ભાજપે શા માટે કરી પસંદગી?

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને પગે લાગીને યાદવે આશીર્વાદ લીધા

ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતીથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જીત્યા પછી નવા સીએમના નામ માટે એક અઠવાડિયા લાંબુ મનોમંથન ચાલ્યું હતું. રવિવારે ભાજપે છત્તીસગઢના નવા સીએમ, બે ડેપ્યૂટી સીએમના નામની જાહેરાત કર્યા પછી આજે મધ્ય પ્રદેશમાં એ જ થિયરીથી નવા સીએમ-ડીસીએમની જાહેરાત કરી હતી.

વિધાનસભ્યના જૂથની બેઠકમાં જ્યારે ડો. મોહન યાદવના નામની જાહેરાત કર્યા પછી મંચ પર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના પગે લાગીને આશીર્વાદ લીધા હતા અને શિવરાજસિંહની આત્મીયતા સાથે માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. મોહન યાદવ મધ્ય પ્રદેશમાં ભાજપના સૌથી મોટા ઓબીસીના ચહેરા છે. તેમના નામની જાહેરાત તો ખાસ કરીને લોકસભાની ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કરી છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

નવા મુખ્ય પ્રધાનના નામની સાથે નાયબ મુખ્ય પ્રધાન તરીકે મંદસોર બેઠક પરના વિજેતા જગદીશ દેવડાની જાહેરાત કરી હતી. થાવરચંદ ગેહલોત પછી જગદીશ દેવડા મધ્ય પ્રદેશના સૌથી મોટા દલિત નેતાની જાહેરાત કરી છે. 1990માં પહેલી વખત વિધાનસભ્ય બન્યા પછી 33 વર્ષના લાંબા કાર્યકાળમાં દેવડા આઠમી વખત વિધાનસભ્ય બન્યા હતા.

દેવડા જાણીતા દલિત નેતા છે, જેમણે પરિવહન, ગૃહ, શ્રમ, જેલ અને નાણાકીય પ્રધાન તરીકેનો પણ કાર્યભાર સંભાળ્યો છે. થાવરચંદ ગેહલોત રાજ્યપાલ બન્યા પછી મધ્ય પ્રદેશમાં મોટા દલિત નેતા તરીકે જોવા મળે છે. એના સિવાય બીજા નાયબ મુખ્ય પ્રધાન તરીકે રાજેન્દ્ર શુકલાની જાહેરાત કરી છે. શુક્લા રેવા બેઠક પરથી જીત્યા છે, જેઓ બ્રાહ્મણ નેતા છે. આ ઉપરાંત, સ્પીકર તરીકે નરેન્દ્ર તોમરનું નામ રજૂ કરવામાં આવ્યા પછી રાજપૂત લોબીમાં પણ ખુશીનો માહોલ છે.

ભાજપે આજે નવા મુખ્ય પ્રધાન તરીકે વરિષ્ઠ અને ક્લિન ઈમેજ ધરાવનારા મોહન યાદવની પસંદગી કરીને સૌને ચોંકાવી નાખ્યા હતા. 58 વર્ષીય મોહન યાદવ શિવરાજ સિંહની સરકારમાં શિક્ષણ પ્રધાન રહી ચૂક્યા હતા, પરંતુ આ વખતે ભાજપે શિવરાજસિંહ ચૌહાણને બદલે મોહન યાદવની પસંદગી કરીને રાજકીય નિષ્ણાતોને ચોંકાવ્યા છે. કહેવાય છે કે મોહન યાદવના નામની મુખ્ય પ્રધાનના નામ તરીકે પસંદગી કરી છે, પરંતુ તેમના નામનો પ્રસ્તાવ ખૂદ શિવરાજ સિંહે ચૌહાણે મૂક્યો હતો.

ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) સમુદાયમાંથી આવનાર મોહન યાદવ ઉચ્ચ શિક્ષિત પણ છે. કોલેજકાળના દિવસોથી મોહન યાદવની રાજકીય કારકિર્દીની શરુઆત થઈ હતી. 2013માં પહેલી વખત વિધાનસભ્ય બન્યા હતા, ત્યારબાદ 2018માં ફરી એક વખત ઉજ્જૈન દક્ષિણની સીટ પરથી લડ્યા હતા. માર્ચ 2020માં પણ શિવરાજસિંહની સરકારમાં ફરી કેબિનેટમાં સામેલ કર્યા હતા.

મોહન યાદવે 2023ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું. ચૂંટણીમાં રજૂ કરેલા સોગંદનામા અનુસાર તેમની પાસે 42 કરોડની સંપત્તિ છે, જેમાં 10 કરોડની સ્થાવર અને 32 કરોડની જંગમ મિલકત છે. આ ઉપરાંત, તેમની સામે એક પણ ગુનો પણ નોંધાયો નથી. ઉચ્ચ શિક્ષિત મોહન યાદવની પાસે એલએલબી અને પીએચડી જેવી ડિગ્રી પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button