
નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં અમેરિકન ઇંધણ સાથે તેજીનું જોરદાર તોફાન શરુ થયું છે. બેન્ચમાર્ક નિફ્ટીએ 25,000ના માઈલસ્ટોનને પાર કર્યો છે, જયારે સેન્સેક્સે 82,000ની સપાટી વટાવી છે. હવે તેજી સતત આગળ વધે એવા સંજોગ ઉભા થયા છે. ત્રણ સત્ર સુધી નિષ્ફળ રહેલો નિફ્ટી તો જોકે 25,000ની નિકટ જ હતો, સેન્સેક્સ માટે 82,000નો આંક મહત્વનો છે.
જોકે બજારના કેટલાક નિષ્ણાત મને છે કે હવે સ્થાનિક નાણાકીય સંસ્થા સાથે વિદેશી ફંડો પણ લેવાલી શરુ કરશે તો માર્કેટમાં તેજી તાકી તો રહેશે, પરંતુ ક્યાં સુધી? અત્યારે બજાર ફાટફાટ થઈ રહ્યું છે અને વેલ્યુએશન ભળતા જ ઊંચા ગયા છે. ગમે ત્યારે પ્રોફિટ બુકિંગ આવશે અને પરપોટો ફૂટી જશે.
હાલ તો વિશ્વભરના ઇક્વિટી રોકાણકારોએ યુએસ ફેડરલ રિઝર્વની અનપેક્ષિત સકારાત્મક ટિપ્પણી અને સપ્ટેમ્બરના દરમાં ઘટાડો કરવાના સંકેતોને ઉત્સાહ સાથે વધાવ્યા છે. આજ કારણસર સ્થાનિક બજારમાં સવારે 09:17 વાગ્યે સેન્સેક્સ 228.45 પોઈન્ટ્સ અથવા 0.28 ટકા વધીને 81,969.79 પર અને નિફ્ટી 88.40 પોઈન્ટ્સ અથવા 0.35 ટકા વધીને 25,039.60 પર પહોચ્યો હતો.
સાર્વત્રિક લેવાલીના માહોલમાં એ તબક્કે લગભગ 1,916 શેર વધ્યા, 589 ઘટ્યા અને 126 શેર યથાવત રહ્યા હતા. વ્યાપક બજારમાં મુખ્યત્વે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સે અપટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો અને આ બેન્ચમાર્કમાં અનુક્રમે 0.3 ટકા અને 0.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
નિફ્ટી આઈટીને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ઊંચા ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી મેટલમાં 1.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટોમાં 0.8 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.
યુએસ ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલ દ્વારા સપ્ટેમ્બરમાં સંભવિત દરમાં ઘટાડો કરવાનો સંકેત વૈશ્વિક ઇક્વિટી બજારો માટે સકારાત્મક છે. વધુ મહત્ત્વની વાત એ છે કે યુએસ અર્થતંત્ર સામાન્ય થઈ રહ્યું છે તે અંગેની તેમની ટિપ્પણી તેજીવાળાને જોમ અપાવે છે.