
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંદાજપત્રમાં અપેક્ષાઓ સામે ભારે નિરાશા સાથે અણધારી વિપરીત દરખ્સ્તોને કારણે ખરડાયેલા માનસ વચ્ચે વેચવાલીનું દબાણ એકાએક વધી જતાં એક તબક્કે સેન્સેક્સમાં લગભગ ૨૫૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો અને અંતે બેન્ચમાર્ક ૧૫૪૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો જ્યારે નિફ્ટી ૨૪૮૫૦ની નીચે સરકી ગયો હતો.
બજેટમાં જાહેર ખર્ચમાં નોંધપાત્ર વધારો અને નિકાસલક્ષી ક્ષેત્રોને ટેકો આપવા માટેના પગલાં તો જાહેર થયાં છે પરંતુ ખાસ કરીને શેરધારકો માટે બાયબેક પર કેપિટલ ગેઇનની જેમ ટેક્સ કર લાદવાની અને ફ્યુચર્સ પર એસટીટી વધારીને ૦.૦૫ ટકા કરવાની જાહેરાતે બજારનું સેન્ટિમેન્ટ ખરડી નાંખ્યું હતું.
સેન્સેક્સ ૨૩૭૦.૩૬ પોઇન્ટ અથવા તો ૨.૮૮ ટકાના કડાકા સાથે ૮૦,૦૦૦ની સપાટી ગુમાવતો ૭૯,૮૯૯.૪૨ પોઇન્ટ નીચી સપાટીને અથડાઇને અંતે ૧૫૪૬.૮૪ પોઇન્ટ અથવા તો ૧.૮૮ ટકાના ઘબડકા સાથે ૮૦,૭૨૨.૯૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એ જ રીતે, નિફ્ટી ૭૪૮.૯૦ પોઇન્ટના કડાકા સાથે ૨૪,૫૭૧.૭૫ સુધી પટકાઇને અંતે ૪૯૫.૨૦ પોઇન્ટ અથવા ૧.૯૬ ટકાના કડાકા સાથે ૨૪,૮૨૫.૪૫ની સપાટીએ સ્થિર થયો હતો. બજેટ માટે શેરબજાર ચાલુ રાખવામાં આવ્યું હતું અને આમ શેરબજારના ઇતિહાસમાં પહેલી વખત રોકાણકારોની સંપત્તિમાં રવિવારે રૂ. ૯.૪૧ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું.
આપણ વાચો: નિર્મલાની એક જ જાહેરાતથી શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 2170 પોઈન્ટનો કડાકો
નાણાં પ્રધાન દ્વારા કેપિટલ એક્સપેન્ડિચર વધારીને રૂ. ૧૨ લાખ કરોડ જાહેર કરવામાં આવ્યો હોવાની જાહેરાતે એલએન્ટટી, અદાણી પોર્ટસ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચ શેરોરમાં તેજી જોવા મળી હતી. એ જ રીતે, એમણે વિદેશી રહેવાસીઓ માટે વ્યક્તિગત રોકાણ મર્યાદા બમણી કરીને ૧૦ ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનાથી થોડો સેન્ટિમેન્ટલ ટેકો મળ્યો હતો.
સરકારની રૂ. ૧૦,૦૦૦ કરોડની બાયોફાર્મા શક્તિ યોજનાની જાહેરાત પછી બાયોકોન, સન ફાર્માના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એ જ રીતે, સમર્થ ૨.૦, મેગા પાર્ક્સની જાહેરાતથી અરવિંદ, કેપીઆર મિલ અને અન્ય ટેક્સટાઇલ શેરમાં નવ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં સ્ટેટ બેન્ક ૫.૬૧ ટકાના અને અદાણી પોર્ટ ૫.૫૩ ટકાના કડાકા સાથે ટોપ લુઝર્સ બન્યા હતા. અન્ય સૌથી વધુ ઘટનારા શેરોમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, આઇટીસી, ટાટા સ્ટીલ, અલ્ટ્રા ટેક સિમેન્ટ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ હતો. જ્યારે ટોચના વધનારા શેરોમાં ટાટા ક્ન્સ્લ્ટન્સી સર્વિસિસ, ઇન્ફોસિસ, સન ફાર્મા અને ટાઇટન ટોપ ગેઇનર રહ્યા હતાં.
અંદાજપત્રમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે બજેટ ખર્ચ વધારીને રૂ. ૪૦,૦૦૦ કરોડ કરવામાં આવશે તે પછી ઇએમએસ શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.
આપણ વાચો: શેરબજારમાં બજેટ પછી હાહાકાર: સેન્સેક્સમાં ૨૫૦૦થી મોટો કડાકો
એક્સચેન્જના ડેટા અનુસાર બુધવારે પાછલા સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૨૨૫૧.૩૭ કરોડની લેવાલી નોંધાવી હતી. દરમિયાન ડિસેમ્બરના અંતમાં કેન્દ્રની રાજકોષીય ખાધ રૂ. ૮.૫૫ લાખ કરોડ અથવા ૨૦૨૫-૨૬ માટેના વાર્ષિક બજેટ લક્ષ્યાંકના ૫૪.૫ ટકા હતી, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં ૫૬.૭ ટકા હતી, એમ શુક્રવારે જાહેર કરાયેલા સરકારી ડેટા દર્શાવે છે. કેન્દ્રનો અંદાજ છે કે ૨૦૨૫-૨૬ દરમિયાન રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪ ટકા અથવા રૂ. ૧૫.૬૯ લાખ કરોડ રહેશે.
ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ (સીએજી) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, કેન્દ્ર સરકારને ડિસેમ્બર ૨૦૨૫ સુધીની કુલ આવક માટે લગભગ રૂ. ૨૫.૨૫ લાખ કરોડ અથવા અનુરૂપ બજેટ અંદાજના ૭૨.૨ ટકા પ્રાપ્ત થયા છે.
ફ્યુચર્સ પર એસટીટી વધારીને ૦.૦૫ ટકા કરવાની નાણા પ્રધાનની દરખાસ્ત મૂડી બજારની ઇકોસિસ્ટમ માટે માળખાકીય રીતે નકારાત્મક છે, ખાસ કરીને એફએન્ડઓ સંચાલિત ટ્રેડમાં ઊંચી ટ્રાન્ઝેકશન કોસ્ટથી ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થવાની સંભાવના છે, ટૂંકા ગાળાના વેગમાં ઘટાડો થશે અને એફઆઇઆઇ સહભાગિતા પણ ઘટી શકે છે.
આ બ્રોકિંગ કંપનીઓ, એક્સચેન્જો, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અને ડિપોઝિટરીઝની આવકના પ્રવાહો પર નકારાત્મક અસર ઊભી કરી શકે છે, જે બજારના ટર્નઓવર સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.
તાજેતરના મહિનાઓમાં ડેરિવેટિવ્ઝ વોલ્યુમ પહેલેથી જ સંકોચાઈ રહ્યા હોવાથી, એસટીટીનો વધારો નજીકના ગાળાની કમાણી પર વધુ દબાણ લાવી શકે છે. શુક્રવારે સેન્સેક્સ ૨૯૬.૫૯ પોઈન્ટ અથવા ૦.૩૬ ટકા ઘટીને ૮૨,૨૬૯.૭૮ પર સ્થિર થયો હતો. નિફ્ટી ૯૮.૨૫ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા ઘટીને ૨૫,૩૨૦.૬૫ પર બંધ થયો હતો.



