
આજે 500 વર્ષની તપસ્યા બાદ Ayodhyaમાં ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થઇ છે. ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમયે પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, RSS વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ ઉપસ્થિત હતા. કાશીના સુનિલ શાસ્ત્રીજીએ પીએમ મોદીને સંકલ્પ લેવડાવ્યો હતો. પ્રભુ શ્રીરામના બીજમંત્રનું પઠન કરવામાં આવ્યું હતું. રંગમંડપમાં મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામમંદિરના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી હવે બપોરે એક વાગ્યે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરના 2 વાગ્યે તેઓ રામમંદિર સંકુલમાં સ્થિત શિવમંદિરમાં પૂજા કરશે, રામમંદિર બનાવનારા શ્રમિકો સાથે વાર્તાલાપ કરશે. અલગ અલગ કાર્યક્રમોમાં લગભગ 5 કલાક વિતાવ્યા બાદ તેઓ દિલ્હી માટે રવાના થશે. પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સતત 11 દિવસ અનુષ્ઠાન કર્યા હતા. આ દરમિયાન તેમણે 11 દિવસ સુધી જમીન પર સૂતા હતા અને ભોજનમાં માત્ર માત્ર નારિયેળ પાણી અને ફળો જ લીધા હતા. તેમણે 4 દક્ષિણ ભારતના રાજ્યોની મુલાકાત લીધી હતી અને 7 મંદિરોની મુલાકાત લઇ ભગવાન રામની પૂજા પણ કરી હતી.