નીલેશ વાઘેલા
મુંબઇ: કેપિટલ માર્કેટ રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એચડીએફસી બેંકને બહુવિધ નિયમોનું પાલન ન કરવા સંદર્ભે વહીવટી ચેતવણી પત્ર (એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર) જારી કર્યો હતો. એક્સચેન્જ ફાઇલિંગમાં બેંકે આજે ગુરુવારે જણાવ્યું હતું કે સેબીએ અમુક નિયમોનું પાલન ન કરવાનો દાવો કર્યો છે અને તે સંદર્ભે વોર્નિંગ લેટર જારી કર્યો છે.
બેંકે કહ્યું છે કે તે પત્રમાં ઉલ્લેખિત ચિંતાઓ અને નિર્દેશોના ઉકેલ માટે જરૂરી પગલાં લેશે. એ જ સાથે બેંકે એમ પણ જણાવ્યું હતું કે ચેતવણી તેની નાણાકીય અથવા ઓપરેશનલ પ્રવૃત્તિઓને અસર કરશે નહીં, તેણે હિતધારકોને ખાતરી આપી હતી કે સેબીના અવલોકનોને સંબોધવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે. બજાર નિયામક સેબી દ્વારા આ સંદર્ભે ત્રણ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ, સેબી (મર્ચન્ટ બેન્કર્સ) રેગ્યુલેશન્સ, ૧૯૯૨ છે. આ નિયમન ભારતમાં મર્ચન્ટ બેન્કર્સની નોંધણી, કામગીરી અને જવાબદારીઓનું સંચાલન કરે છે. આ નિયમોમાં મર્ચન્ટ બેન્કોએ કડક આચાર સંહિતાનું પાલન કરવું, હિતોના સંઘર્ષને ટાળવું અને રોકાણકારોનું રક્ષણ સુનિશ્ર્ચિત કરવું જરૂરી છે.
Also read: SEBIએ હિંડનબર્ગને ‘કારણ બતાવો’ નોટિસ પાઠવી, હિન્ડેનબર્ગે SEBI પર સવાલ ઉઠાવ્યા
બીજો નિયમ સેબી (મૂડી અને ડિસ્ક્લોઝર જરૂરીયાતોનો મુદ્દો) રેગ્યુલેશન્સ, ૨૦૧૮ છે. આ નિયમન પબ્લિક ઈસ્યુ મેનેજમેન્ટમાં યોગ્ય ખંત, પારદર્શિતા અને અનુપાલન પર ભાર મૂકે છે. જ્યારે ત્રીજો નિયમ સેબી (પ્રોહિબિશન ઓફ ઈન્સાઈડર ટ્રેડિંગ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ છે.
આ નિયમન સિક્યોરિટી માર્કેટમાં ઇન્સાઇડર ટ્રેડિંગને રોકવા માટે છે. તે કંપનીના અંદરના (આંતરિક માહિતી ધરાવનારા) લોકોને, કર્મચારીઓ, નિર્દેશકો અથવા અપ્રકાશિત પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન (યુપીએસઆઇ)ની ઍક્સેસ ધરાવતા કોઈપણ વ્યક્તિને આવી માહિતીના આધારે વેપાર કરવાથી પ્રતિબંધિત કરે છે.