નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ કેસ(Electoral bonds case) અંગે આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એક વાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ઝટકો આપ્યો હતો, કોર્ટે બોન્ડ નંબર સહીત સમગ્ર માહિતી જાહેર કરવા આદેશ આપ્યો છે.
કોર્ટે SBIને ફટકાર લગાવતા કહ્યું કે, અમે તમારી પાસેથી જે માહિતી માંગી હતી એ તમે અત્યાર સુધી આપી શક્યા નથી. અમે તમારી પાસેથી જે પણ માહિતી માંગી છે તે આપવા માટે તમે બંધાયેલા છો, તમારે દરેક માહિતી વિગતવાર આપવી પડશે.
બેન્ચે વધુમાં કહ્યું છે કે SBIએ બોન્ડ નંબર આપવાનો રહેશે. આ ઉપરાંત બોન્ડ સંબંધિત દરેક માહિતી પણ કોર્ટને આપવાની રહેશે. SBI એ એફિડેવિટ આપવી જોઈએ કે તેણે કોઈ માહિતી છુપાવી નથી. કોર્ટના આદેશ બાદ SBI ઈલેક્ટોરલ બોન્ડ નંબર આપવા તૈયાર થઇ હતી.
મુખ્ય ન્યાયાધીશ (CJI) ચંદ્રચુડે SBIને પૂછ્યું કે બોન્ડ ડેટા કયા ફોર્મેટમાં રાખવામાં આવે છે? આલ્ફા ન્યુમેરિક કોડ રાખવા પાછળનો ઈરાદો શું છે? આલ્ફાન્યૂમેરિક સ્કેન કરીને કઈ માહિતી મળે છે? જો બોન્ડ ખરીદવામાં આવ્યા તો તે નકલી નથી તે કેવી રીતે જાણી શકાય? અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે SBI માત્ર બોન્ડ નંબર જ નહીં આપે પરંતુ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ આપશે કે તેણે કોઈ માહિતી છુપાવી નથી. તમારે કોઈપણ સંજોગોમાં તમામ માહિતી આપવી પડશે.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે SBI ચુંટણી બોન્ડ સાથે જોડાયેલી માહિતી જાહેર કરવામાં સીલેક્ટીવ થઇ શકે નહીં, બેંકને બોન્ડના નંબરોની સંપૂર્ણ વિગતો 21 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને સબમિટ કરવાની રહેશે. સર્વોચ્ચ અદાલતે બેંકના ચેરમેનને 21 માર્ચ સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ પણ આપ્યો છે.
Taboola Feed