ચા પીતા પીતા હાર્ટ એટેક આવતા પ્રખ્યાત ડાયરેક્ટરનું નિધન…
મુંબઈ: ધૂમ અને ધૂમ 2 જેવી સુપરહિટ ફિલ્મોના ડાયરેક્ટર સંજય ગઢવીએ રવિવારે આ દુનિયાને અલવિદા કહીને અનંતની યાત્રાએ નીકળી પડતા ઇન્ડસ્ટ્રી અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે આજે એટલે કે રવિવારે સવારે આશરે 8.45 વાગ્યાની આસપાસ ચા પીતી વખતે અચાનક તેઓ ઢળી પડ્યા હતાં. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાર્ટ એટેક આવવાને કારણે સંજયનું નિધન થયું હતું.
સંજય ગઢવી અંધેરી વિસ્તારની એ જ બિલ્ડિંગ ‘ગ્રીન એકર્સ’માં રહેતા હતા, જ્યાં બી ટાઉનની દિવંગત અભિનેત્રી શ્રીદેવી રહેતી હતી. જોકે, બોની કપૂર છેલ્લા એક વર્ષથી આ બિલ્ડીંગમાં નથી રહેતા.
ઘરે બેભાન થઇ ગયા બાદ સંજય ગઢવીને તાત્કાલિક અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલમાં સંજય ગઢવીનું પાર્થિવ દેહ હૉસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે.
પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો 2000માં ફિલ્મ ‘તેરે લિયે’થી દિગ્દર્શક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મ કોઈના ખાસ ધ્યાનમાં આવી નહોતી અને બોક્સ ઓફીસ પર ફ્લોપ સાબિત થઇ હતી. પહેલા આ ફિલ્મનું નામ ‘તુ હી બતા’ હતું, જેમાં અર્જૂન રામપાલ અને રવિના ટંડન લીડ રોલમાં હતા. જોકે ઓછા બજેટના કારણે ફિલ્મ અટકી પડી હતી. ત્યાર બાદa 2004માં પહેલી વખત સંજયને ખ્યાતિ મળી હતી. આ વખતે તેમણે એક્શન થ્રિલર ફિલ્મ ધૂમનું દિગ્દર્શન કર્યું હતું. ધૂમ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા, જોન અબ્રાહમ, એશા દેઓલ અને રિમી સેન જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.
સંજયે પોતાની કારકિર્દી દરમિયાન ધૂમ 2, મેરે યાર કી શાદી હૈ અને ઈમરાન ખાન સ્ટારર ફિલ્મ ‘કિડનેપ’નું પણ નિર્દેશન કર્યું છે. આ ઉપરાંત 2012માં તેમણે ‘અજબ ગજબ લવ’નું નિર્દેશન પણ કર્યું હતું. તેણે ‘ઓપરેશન પરિન્દે’ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી.