
હિંમતનગરઃ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ભાવવધારાની માગણી સાથે છેલ્લા પાંચ દિવસથી ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. અંતે પશુપાલકોના વ્યાપક વિરોધ સામે સાબર ડેરીના વહીવટી તંત્રને ઝુકવું પડ્યું છે અને ભાવમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટદીઠ ₹ 995 ચૂકવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય સાધારણ સભા પહેલાં જ નિયામક મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. અગાઉ પશુપાલકોને ₹ 960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો.
આપણ વાંચો: પશુપાલકો સામે ઝૂકી સાબર ડેરી, દૂધનો ભાવ ફેર આપવાનો નિર્ણય લીધો…
હવે બાકીના ₹ 35નો તફાવત સાધારણ સભા પછી ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે, પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશુપાલકોનો સાબર ડેરી સામે વિરોધ પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો હતો. સાડાત્રણ લાખ પશુપાલકો સાથે જોડાયેલી સાબર ડેરી દ્વારા પશુપાલકોની ભાવવધારાની માગણી ન સ્વીકારાતાં આ વિરોધ શરૂ થયો હતો.
પશુપાલકોએ હિંમતનગરમાં હાઈવે પર અને અરવલ્લીમાં મોડાસા – મેઘરજ રોડ પર ટેન્કરોના વાલ્વ ખોલીને દૂધ ઢોળ્યું હતું, તો મોડાસામાં પશુપાલકોએ ડેરીમાં નહીં ભરી દૂધનું સ્થાનિક જરૂરિયાતમંદોમાં વિતરણ કર્યું હતું. પશુપાલકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
આપણ વાંચો: પ્રાંતિજમાં સાબર ડેરી સામે પશુપાલકોનો ઉગ્ર વિરોધ! દૂધ ઢોળીને ચેરમેનના છાજીયા લીધા
સાબર ડેરીના વાર્ષિક ભાવફેરના મામલે ચાલી રહેલા વિરોધ અને વર્તમાન પરિસ્થિતિના અનુસંધાને નિયામક મંડળના સભ્યોની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક પહેલાં સાંસદ સહિતના સ્થાનિક અને અગ્રણી આગેવાનો સાથે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
ચેરમેન, વાઈસ-ચેરમેન અને નિયામક મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વાર્ષિક સાધારણ સભા અને વાર્ષિક ભાવફેરના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર બાદ ભાવફેર આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.