Sikkim માં ભૂસ્ખલન વચ્ચે ફસાયેલા ગુજરાતીઓનું રેસ્ક્યુ, તમામ સલામત

અમદાવાદઃ સિક્કિમમાં(Sikkim) ગત બુધવારની રાત્રે 220 મિમીથી વધુ વરસાદ ખાબકતા અને તીસ્તા નદીમાં આવેલા પૂરના કારણે 1200થી વધુ દેશી-વિદેશી પ્રવાસીઓ ફસાયા હતા. જેમાં સિક્કીમ ફરવા ગયેલા ગુજરાત 30 જેટલા પ્રવાસીઓ પણ ફસાઈ ગયા હતા. જેમાં ગુજરાતના તમામ પ્રવાસીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા સિક્કીમ રાજયનાં વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી કેટલાક ગુજરાતી પ્રવાસીઓને સલામત રીતે રાજ્ય પરત લાવવામાં આવ્યા છે.
તમામ પ્રવાસીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાતના 30થી વધુ પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે આવેલી અલગ-અલગ હોટલોમાં રોકાયા હોવાથી ત્યાં ફસાયા હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા અર્થે રાજ્ય સરકારે સિક્કિમ વહીવટી તંત્ર સાથે કરેલા સતત સંકલનના પરિણામે તમામ પ્રવાસીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં લાચુંગ ગામે કોઈ ગુજરાતી પ્રવાસી ફસાયો નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. સિક્કિમમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પૈકી કેટલાક તો ગુજરાત પણ પરત ફરી ચૂક્યાં છે.
ગુજરાતમાંથી અંદાજે 30 થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સિક્કિમમાં વાદળ ફાટતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. ભારે વરસાદનાં પરિણામે ભૂસ્ખલનની ઘટના બની હતી. દરમિયાન, ત્યાં ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા પ્રવાસીઓ ફસાયાં હતા. ગુજરાતમાંથી અંદાજે 30 થી વધુ પ્રવાસીઓ ફસાયાં હતા. સંપર્ક તૂટી જતાં પ્રવાસીઓનાં પરિવારજનોમાં પણ ભારે ચિંતા સેવાઈ હતી.
આ બાબતની જાણ થતાં ગુજરાતના પ્રવાસીઓની સલામતી અને તેમની પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા સિક્કિમના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું હતુ.