ટોપ ન્યૂઝનેશનલ

Republic Day 2024: રાષ્ટ્રપતિ મુર્મુ બગીમાં બેસીને કર્તવ્ય પથ પહોંચ્યા, વર્ષો જૂની પરંપરા પુનઃજીવિત થઈ

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે ઘોડાથી ખેંચાતી પરંપરાગત બગીમાં બેસીને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા. ઉપરાંત જાજરમાન ઘોડાઓ પર સવાર લાલ ગણવેશમાં અંગરક્ષકો તેમની સાથે હતા. આ પ્રથા 40 વર્ષ બંધ રહ્યા બાદ આજે ફરી શરુ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિની બગી 1984 સુધી પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતી હતી, પરંતુ તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેને બંધ કરી દેવામાં આવી હતી. સુરક્ષા કારણોસર તે બંધ કરવામાં આવી હતી,ત્યાર બાદ રાષ્ટ્રપતિ માટે લિમોઝીન કારનો ઉપયોગ કરવાનું શરૂ થયું હતું. તેઓ બગીમાં કર્તવ્ય પથ પર આવ્યા પછી, રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે 105-mm ભારતીય ફિલ્ડ ગન્સ ની 21-બંદુકની સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ પ્રજાસત્તાક દિવસની પરેડ શરૂ થઈ હતી.

બગીનો ઉપયોગ સ્વતંત્રતા પહેલાના સમયમાં વાઈસરોય દ્વારા કરવામાં આવતો હતો અને આઝાદી બાદ બગી રાષ્ટ્રપતિ ભવનમાં જ રાખવામાં આવતી. અગાઉ 2014 માં, તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બીટિંગ રીટ્રીટ સમારંભમાં હાજરી આપતી વખતે છ ઘોડાની બગ્ગી પર સવારી કરીને આ પરંપરાને પુનર્જીવિત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button