
નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક કચરો એટલેકે ઈ-વેસ્ટ મેનેજ કરવા અને આ કચરાને નવી સામગ્રી એટલે કે રિસાયક્લિંગમાં રૂપાંતરિત કરવાના પ્રયાસરૂપે, દેશના વિવિધ રાજ્યોમાં કુલ ૨૯૫ રિસાયક્લિંગ એકમોની સ્થાપના કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૮૨ રિસાયક્લિંગ એકમો સ્થાપિત છે. ત્યારબાદ બીજા ક્રમે ૪૫ રિસાયક્લિંગ એકમો સાથે કર્ણાટક, ૪૩ સાથે મહારાષ્ટ્ર અને ૩૨ એકમો સાથે હરિયાણા આવે છે.
ત્યારબાદ પાંચમા ક્રમે ગુજરાત રાજ્ય છે જેમાં ૨૯ એકમો ઈ-વેસ્ટના રિસાયક્લિંગના છે. ત્યારબાદ અન્ય રાજ્યો પર નજર કરીએ તો તેલંગાણા (૧૫ એકમો), તમિલનાડુ (૧૩ એકમ), રાજસ્થાન (૧૦ એકમ) અને મધ્યપ્રદેશ (૬ એકમો) પણ રિસાયક્લિંગ એકમોમાં યોગદાન આપે છે.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, આસામ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને કેરળ જેવા અન્ય ઘણા રાજ્યોમાં પણ એકથી છ એકમો છે. આ રિસાયક્લિંગ ફેક્ટરીઓનો હેતુ માત્ર વર્ષ દરમિયાન પેદા થતા ઈ-કચરાના જંગી જથ્થાને મેનેજ કરવાનો નથી, પણ એક પરિપક્વ પરિવર્તનશીલ અર્થતંત્રની સિસ્ટમ બનાવવાનો પણ છે. જેમાં આ કચરામાંથી કાઢવામાં આવેલી કિંમતી વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરવામાં આવે.
આ પણ વાંચો…અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાની ગુરુગ્રામથી ધરપકડ, સાસુ અને સાળાને પણ ઝડપ્યા
ઇ-કચરો સોલર ફોટોવોલ્ટેઇક મોડયુલ્સ અને પેનલ્સ સહિત બિનઉપયોગી અથવા કાઢી નાખવામાં આવેલા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધનોનો સંદર્ભ આપે છે. આ સિવાય ઈ-વેસ્ટમાં તે તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે જે ઉત્પાદન અને નવો માલ બનાવવાની પ્રક્રિયામાં છોડવામાં આવે છે.
ઈ-વેસ્ટની વધતી જતી સમસ્યાને ઉકેલવા માટે પહેલ કરીને, સરકારે ઈ-વેસ્ટ (મેનેજમેન્ટ) રૂલ્સ, ૨૦૨૨ રજૂ કર્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં ૬૦ ટકા ઈ-વેસ્ટ રિસાયક્લિંગનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.