રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમિટી(MPC)એ મુંબઈમાં મંગળવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠક બાદ આજે 8 ફેબ્રુઆરીના રોજ રેપો રેટ અંગેના તેના નિર્ણયને જાહેર કર્યો હતો. આજે સવારે 10 વાગ્યે RBI ગવર્નર શક્તિકાંત દાસે MPCના નિર્ણયની જાહેરાત કરી. RBI MPC એ સતત છઠ્ઠી વખત રેપો રેટ 6.5 ટકા રાખ્યો છે. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરી 2023માં વધારવામાં આવ્યો હતો, એ સમયે તેને 6.25 ટકાથી વધારીને વર્તમાન 6.5 ટકા કરવામાં આવ્યો હતો. અગાઉ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો.
દ્વિમાસિક મોનેટરી પોલિસી સમીક્ષાની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વચ્ચે દેશની અર્થવ્યવસ્થા મજબૂત રહી છે, એક તરફ આર્થિક વિકાસ વધી રહ્યો છે, તો બીજી તરફ ફુગાવો નીચે આવ્યો છે. તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાની વૃદ્ધિની ગતિ ઝડપી છે અને તે મોટાભાગના વિશ્લેષકોના અંદાજોને વટાવી રહી છે. 2024માં વૈશ્વિક વિકાસ દર સ્થિર રહેવાની ધારણા છે.
RBI ગવર્નરની આજની ઘોષણાના મુખ્ય મુદ્દાઓ:
2024માં ફુગાવાના દરમાં ઘટાડો થવાની અપેક્ષા,
ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડાની શક્યતા
MPCનો ફુગાવાનો દર ટાર્ગેટ 5% છે
નાણાકીય વર્ષ 2024-25 માં પણ વૃદ્ધિ દર અકબંધ રહેશે
વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
રેપો રેટ 6.5% પર જાળવી રાખવામાં આવ્યો છે.
FY25 માટે ફુગાવાનો દર 4.5% રહેવાની જાહેરાત કરી છે
FY24 માટે ફુગાવાનો અનુમાન 5.4% પર જાળવી રાખ્યો રૂપિયાની સ્થિરતા, ભારતીય અર્થતંત્રમાં મજબૂતીના સંકેત
નાણાકીય વર્ષ 25 માં જીડીપી વૃદ્ધિ 7% રહેવાની અપેક્ષા છે