Rajyasabha election: ગુજરાતમાં ભાજપ માટે રસ્તો સરળ, મહારાષ્ટ્ર-બિહારમાં કપરાં ચઢાણ
અમદાવાદઃ ચૂંટણી પંચે 15 રાજ્યમાં 56 રાજ્યસભા બેઠક પરની ચૂંટણીની જાહેરાત કરી છે. આમાંથી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર છે, પરંતુ ત્યાં વિપક્ષ પાસે પણ સારી એવી બેઠકો છે, આથી ખરાખરીનો જંગ જામે તેવી શક્યતા છે. જોકે આમાંથી ગુજરાત બાકાત છે. અહીં ભાજપ પાસે 182 વિધાનસભા બેઠકમાંથી 156 પર ભાજપ જીતી હતી અને તે બાદ આપ અને કૉંગ્રેસમાંથી અનુક્રમે એક અને બે વિધાનસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે. ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક પર ચૂંટણી છે ત્યારે અહીં ભાજપનો માર્ગ સાવ સહેલો છે. અહીં ભાજપના બે કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાનો કાર્યકાળ પૂરો થાય છે જ્યારે કૉંગ્રેસના બે સભ્ય ડૉ. અમી યાજ્ઞિક અને નારાયણ રાઠવાનો કાર્યકાળ પણ પૂરો થશે. કૉંગ્રેસે ગુજરાતમાંથી રાજ્યસભાના બે સભ્યપદ ગુમાવવા પડશે તે વાત લગભગ નક્કી છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો પ્રકાશ જાવડેકર, નારાયણ રાણે, કુમાર કેતકર, અનિલ દેસાઈ, વી. મુરલીધરણ અને વંદના ચવ્હાણના કાર્યકાળ પૂરા થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં હાલમાં શિંદે-ફડણવીસ-અજિત પવારની સરકાર છે. જોકે શિંદે અને પવાર ગ્રુપના વિધાનસભ્યોનું ભાવિ હજુ અદ્ધરતાલ છે. બીજી બાજુ કૉંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે પણ સારું સંખ્યાબળ છે. આ જોતા અહીં રાજ્યસભાની બેઠકો માટેનો જંગ દિલચસ્પ રહેશે.
આ સાથે ગઈકાલે એટલે રવિવારે જે રાજ્ય ભાજપના ગઠબંધનને લીધે એનડીએશાસિત થયું છે તે બિહારમાં પણ જંગ જામશે. શપથ લીધાના બીજા દિવસે જ મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સામે પડકાર આવીને ઊભો છે.
બિહારના જે 6 સાંસદના કાર્યકાળ પૂરા થઈ રહ્યા છે, તેમાં આરજેડીના મનોજ કુમાર ઝા અને અશફાક કરીમ, જેડીયુના અનિલ પ્રસાદ હેગડે અને વશિષ્ઠ નારાયણ સિંહ, ભાજપના સુશીલ કુમાર મોદી અને કૉંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહનો સમાવેશ થાય છે. દરેક પક્ષે પોતાની બેઠક સાચવી રાખવા મહેનત કરવી પડશે.
વળી ભાજપ સહિતના પક્ષો આ સભ્યોને ફરી મોકો આપે છે કે અન્યોને તક આપે છે, રાજ્યસભાના અમુક સભ્યોને લોકસભાની ટિકિટ આપવાની વાતો વચ્ચે પક્ષમાં જ ચર્ચાઓ વહેતી થઈ છે.