
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. જેમાં 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે. ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાશે.
આ ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 10,479 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઈ હતી. હવે આજે કુલ 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણીઓ યોજાશે.
આપણ વાંચો: વરસાદી માહોલ વચ્ચે આજે ભાવનગર જિલ્લાની 224 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન
ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં 3,939 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે 36 મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રાજ્યના ચૂંટણી પંચે કુલ 8326 ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટે તા.28-05-2025ના રોજ કાર્યક્રમ જાહેર કર્યો હતો.
આમાંથી કડી તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને કડી વિધાનસભાના કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી છે.