Rajkot Gamezone fire: મંજૂરીથી આજદિન સુધી ફરજ પર રહેલા તમામ જવાબદાર અધિકારીઓને SITનું તપાસનું તેડું
રાજકોટ : હાલ રાજકોટ અગ્નિકાંડને (Rajkot Gamezone Fire) લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. ગઈકાલે SIT દ્વારા પણ કહેવામાં અવાયું હતું કે સમગ્ર દુર્ઘટનામાં જવાબદાર કોઈપણ આઇએએસ કે આઇપીએસને નહીં છોડવામાં આવે. ત્યારબાદ ગુરુવારથી તપાસનો દોર આગળ વધી રહ્યો છે. જેમાં ત્યારે હાલ ફરજ પરના અધિકારીઓની તો તપાસ થશે જ પણ ગેમઝોનને મંજૂરી આપવામાં ત્યારથી લઈને આજ સુધી ફરજમાં રહેલા અધિકારીઓને પણ તપાસનું તેડું આવ્યું છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલી SIT દ્વારા હવે જવાબદાર લોકો સહિત અધિકારીઓની તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જેમાં દુર્ઘટના બની તે સમયે ફરજ પર હતા તે અધિકારીઓ પર તો તપાસનો સકંજો કરવામાં આવ્યો છે, પરંતુ સાથે જ ગેમઝોનને મંજૂરી મળી એટલે કે જૂન 2021થી જે અધિકારીઓ ફરજ પર હતા તેમને પણ તપાસ માટે બોલાવવામાં આવ્યા છે.
ગુરુવારથી IAS આનંદ પટેલ અમે IPS રાજૂ ભાર્ગવની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તે સિવાય અન્ય 5 IAS અને 3 IPS સહિત કુલ 8 મોટા અધિકારીઓની પણ પૂછપરછ આજથી શરૂ થશે. ગઈકાલે SITની અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી એક બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ SIT વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતુઈ કે, ‘દુર્ઘટનામાં નાના કે મોટા કોઈપણ અધિકારી જવાબદાર હશે તો પણ છોડવામાં નહી આવે.’
આ દુર્ઘટનામાં માત્ર જવાબદાર હાલ ફરજ પરના જ અધિકારીઓ નથી કારણ કે ગેમઝોનને 2021ના વર્ષે મંજૂરી આપવામાં આવી હતી. આ સમયે ફરજ પર રહેલા અધિકારીઓ પણ પાયામાં રહેલા છે, આથી આ અધિકારીઓની પણ પૂછપરછના આદેશ આપવામાં આવ્યા છે. ગેમઝોનની મજા માણી રહેલા ચાર અધિકારીઓનો ફોટો ખૂબ જ શેર થયો હતો. ફોટોમાં રહેલા ચારે અધિકારીઓને તપાસ માટે બોલવામાં આવ્યા છે.