
અમદાવાદ: મહારાષ્ટ્રમાં મરાઠી અને ગુજરાતી ભાષાના વિવાદના મુદ્દા પર જેનું નામ મોખરે છે તેવા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના એક નિવેદનથી ગુજરાતમાં રોષ વ્યાપ્યો છે.
એક સભાને સંબોધતા તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો દાવો ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓએ કર્યો હતો. આ મુદ્દે ગુજરાતમાં ભારે રોષ વ્યાપ્યો છે અને આકરી પ્રતિક્રિયાઓ સામે આવી છે.
સરદાર પટેલ પર વિવાદાસ્પદ નિવેદન
મીરાં ભાયંદરમાં સભાને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો દાવો અમુક ગુજરાતી વ્યાપારી અને ગુજરાતી નેતાનો હતો. આચાર્ય અત્રેનું પુસ્તક વાંચતા મને આઘાત લાગ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને મુંબઈ ન મળે એના માટેનું પહેલું જે નિવેદન આવ્યું તે વલ્લભભાઈ પટેલે આપ્યું હતું. વલ્લભભાઈએ કહ્યું કે, મુંબઈ મહારાષ્ટ્રને ન આપતા. વલ્લભભાઈ પટેલ જેમને અત્યાર સુધી અમે લોહપુરુષ માનતા હતા.
મોરારજી દેસાઈ પર ગોળીબારનો આરોપ
તેમણે આગળ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈ વિશે ટીપ્પણી કરતા કહ્યું હતું કે જે જે વખતે મહારાષ્ટ્રમાં આંદોલન થયા છે તે વખતે આ મોરારજી દેસાઈએ ગોળીબાર કરીને મરાઠી લોકોને મહારાષ્ટ્રમાં ઠાર માર્યા હતા. અનેક વર્ષોથી આ લોકોની મુંબઈ પર નજર છે.
દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો કોઈ હક નથી
રાજ ઠાકરેનાં આ નિવેદનને લઈને ગુજરાતમાં ભારે રોષ છે. રાજ ઠાકરેના નિવેદન પર અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ બાળા સાહેબ ઠાકરેના પરિવારમાંથી આવે છે, જેથી તેઓ સન્માનનીય વ્યક્તિ છે, પરંતુ સન્માનનીય વ્યક્તિ હોવાને કારણે દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો તેમને કોઈ હક નથી.
સરદાર સાહેબ અને મોરારજી દેસાઈ વિશે ઘસાતું બોલીને મહાનુભાવોનું અપમાન કરી રહ્યા છે. કથીરિયાએ આક્ષેપ કર્યો કે રાજ ઠાકરે ભાષા અને પ્રાંતના વિવાદમાંથી બહાર આવી શક્યા નથી. અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે આવી સન્માનનીય વ્યક્તિઓનું અપમાન કોઈ વ્યક્તિથી સહન ન થાય. તેમણે રાજ ઠાકરે પાસેથી જાહેરમાં માફી માગવાની માંગ કરી હતી.
રાજ ઠાકરેએ આપેલા નિવેદન પર સરદાર પટેલ ગ્રુપ (SPG) ના વડા લાલજી પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે રાજ ઠાકરે એવા નેતાઓમાં સામેલ છે જેઓ હજુ સુધી ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પહોંચ્યા નથી. તેમણે આગળ કહ્યું કે, તમે (રાજ ઠાકરે) સરદાર પટેલનું અપમાન કર્યું. રાજ ઠાકરે, તમારા પર કડક કાર્યવાહી કરાશે.
આપણ વાંચો: ‘બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું’: રાજ ઠાકરે
હવે સરદાર પટેલનું અપમાન કરીને તમામ હદ પાર કરી
આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પણ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રના નેતા રાજ ઠાકરેએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈનું અપમાન કર્યું છે.
પહેલા તે માત્ર ગુજરાતીઓનું અપમાન કરતા હતા હવે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરીને તમામ હદ પાર કરી છે. તેમણે કહ્યું કે જે પોતાની રાજનીતિ તો ચમકાવી નથી શકતા, એક સીટ જીતી નથી શકતા એટલે ભારતના મહાન નેતાઓનું અપમાન કરે છે.
ઇસુદાન ગઢવીએ ગુજરાતના મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્રની ભાજપ સરકાર કેમ આ બાબતે ચુપ છે? તે અંગે પર સવાલ ઉઠાવ્યા હતાં. આ સાથે જ તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી આર પાટીલને અપીલ કરી હતી કે રાજ ઠાકરે અને તેની ટીમ પર FIR દાખલ કરાવવામાં આવે અને તેઓને સાબરમતી જેલમાં પૂરી દેવામાં આવે.
પોતાનું વ્યક્તિત્વ મોટું કરવા સરદારનું અપમાન
આ વિવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજકીય જમીન શોધવા માટે ગમે તેવા નિવેદન કરનારા મનસેના નેતાઓ પોતાનું વ્યક્તિત્વ મોટું કરવા માટે સરદાર સાહેબનું અપમાન કરે છે. ગુજરાત વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે જીવનારું છે.
માત્ર ને માત્ર ગુજરાતીઓ પ્રત્યે વૈમનસ્ય યોગ્ય નથી. સરદાર સાહેબના અપમાન સમયે તેના નામથી વટાવનારા લોકો મૌન છે, તો આ લોકોમાં અને મનસેના નેતાઓમાં કોઈ ફેર નથી. ગુજરાત અને ગુજરાતીઓ ક્યારેય પ્રદેશ, ભાષા કે જાતીની વિખવાદની રાજનીતિમાં માનતા નથી.