
મુંબઇઃ હાલમાં પતનને આરે આવીને ઊભેલી કૉંગ્રેસ પાર્ટી દેશની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી છે. હાલમાં આ પાર્ટી વેરવિખેર થઇ ગઇ છે. પક્ષના અનેક મોટા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે, કારણ કે તેમને જાણ થઇ ગઇ છે કે આ ડૂબતી નાવ છે. ડૂબતી નાવમાં સવાર થવાનું કોઇને પસંદ નથી.
એક સમય હતો જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને યુવાનોની પાર્ટી કહેવામાં આવતી હતી. રાહુલ સાથે તેમની પાંચ જણની યુવા બ્રિગેડ હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, RPN સિંહ, મિલિંદ દેવરા અને સચીન પાયલટ – આ પાંચ તેમના યુવાન સાથીદાર હતા અને પાર્ટીનું અભિન્ન અંગ ગણાતા હતા. જોકે, આમાંના મોટાભાગના નેતાઓ કોંગ્રેસ સાથેના પરિવારિક જોડાણને કારણે પાર્ટીમાં જોડાયા હતા અને રાહુલના સાથીદાર બન્યા હતા. જો કે, 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી અને પરિસ્થિતિ બદલાઇ. દેશની રાજનીતિમાં ભત્રીજાવાદનો મુદ્દો ઉભો થયો અને ત્યાર બાદ એક પછી એક રાહુલની યુવા બ્રિગેડના નેતાઓએ તેમનાથી દૂરી બનાવવા માંડી. એમાં હવે છેલ્લે મહારાષ્ટ્રના મુંબઇના અને કૉંગ્રેસના મહત્વના યુવા નેતા મિલિંદ દેવરાનું છે, જેમણે રવિવારે પાર્ટી સાથેના તેમના પરિવારના 55 વર્ષ જૂના સંબંધોને ખતમ કરવાની જાહેરાત કરી દીધી.
2012માં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીની યુવા બ્રિગેડની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરમાં સચિન પાયલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા, આરપીએન સિંહ, મિલિંદ દેવરા અને જિતિન પ્રસાદ એકબીજા સાથે વાત કરતા જોઈ શકાય છે. જોકે, હવે રાહુલ ગાંધીની યુવા બ્રિગેડ વેરવિખેર થઇ ગઇ છે. છેલ્લા પાંચ વર્ષમાં પાર્ટીનું ભવિષ્ય ગણાતા આ યુવા નેતાઓએ કૉંગ્રેસને રામ રામ કરી દીધા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાઃ
વર્ષ 2020માં કૉંગ્રેસને રામ રામ કરનારા જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીની યુવા બ્રિગેડના પહેલા નેતા હતા. એમ કહેવામાં આવતું હતું કે પાર્ટીમાં યુવા ચહેરાઓની અવગણનાથી તેઓ ખૂબ નારાજ હતા. આ પહેલા તેઓ પીએમ મનમોહન સિંહના નેતૃત્વમાં કેન્દ્રમાં પ્રધાન પણ હતા. જોકે, 2018માં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે કમલનાથને બદલવાનો પક્ષનો નિર્ણય તેમને પસંદ આવ્યો નહોતો. તેમણે 28 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે મધ્ય પ્રદેશની કમલનાથના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકાર પડી ગઇ હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો અને શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના સીએમ બન્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપ સરકારમાં મોટી મોટી અને મહત્વની જબવાબદારીઓ સોંપવામાં આવી છે અને પીએમ મોદી પણ તેમને ઘણું મહત્વ આપે છે. પક્ષમાં મળતા સન્માનથી તેઓ પણ ઘણા ખુશ છે.
જિતિન પ્રસાદઃ
જિતિન પ્રસાદ જૂન 2021માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ઉત્તર પ્રદેશમાં તેઓ જાણીતો બ્રાહ્મણ ચહેરો કહેવાય છે. એક સમયે તેઓ રાહુલ ગાંધીની યુવા બ્રિગેડમાં સામેલ હતા. યુથ કોંગ્રેસથી તેમની રાજકીય કારકિર્દી શરૂ થઇ હતી. જિતિન પ્રસાદનો પરિવાર પણ કૉંગ્રેસ સાથે જોડાયેલો હતો. તેમના પિતા જીતેન્દ્ર પ્રસાદ અને બાબા જ્યોતિ પ્રસાદ કોંગ્રેસના મહત્વના નેતા હતા. જિતિન પ્રસાદ પાર્ટી હાઈકમાન્ડથી નારાજ ચાલી રહ્યા હતા. પક્ષમાં યુવા નેતાગીરીને યોગ્ય મહત્વ આપવામાં આવતું ના હોવાની તેમની ફરિયાદ હતી. જોકે, જિતિન પ્રસાદની ફરિયાદને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા સતત અવગણવામાં આવી અને તેઓ પણ જ્યોતિરાદિત્ય સિંધિયાની રાહે ચાલી નીકળ્યા અને કૉંગ્રેસને રામ રામ કરી દીધા.
RPN સિંહઃ
રાહુલ ગાંધીની યુવા બ્રિગેડની ત્રીજી વિકેટ RPN સિંહના રૂપમાં પડી. 2022 માં યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને તેમને યુપીમાં સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કર્યા હતા, પણ તેમણે કોંગ્રેસને ઝાટકો આપ્યો અને જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા હતા. મનમોહન સરકારમાં, આરપીએન સિંહે પેટ્રોલિયમ મંત્રાલય અને ગૃહ મંત્રાલયમાં રાજ્ય પ્રધાનની ભૂમિકા સંભાળી હતી.
મિલિંદ દેવરાઃ
રાહુલ ગાંધીની યુવા બ્રિગેડની ચોથી વિકેટ મિલિંદ દેવરાના રૂપમાં પડી છે. મિલિંદ દેવરા કોંગ્રેસના દિવંગત નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી દેવરાના પુત્ર છે. તેઓ 2004 અને 2009માં દક્ષિણ મુંબઈ બેઠક પરથી સાંસદ ચૂંટાયા હતા. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મિલિંદ દેવરાને શિવસેનાના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મિલિંદ દેવરાની ગણતરી કોંગ્રેસની યુવા બ્રિગેડમાં થતી હતી. વર્ષ 2012માં તેમને કૉંગ્રેસ સરકારમાં કેન્દ્રમાં શિપિંગ રાજ્ય પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા. સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ સંરક્ષણ મંત્રાલયની સમિતિ અને કેન્દ્રીય શહેરી વિકાસ સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓથી નારાજ હતા. તેઓ દક્ષિણ મુંબઇની લોકસભાની બેઠક પરથી ચૂંટણીમાં ઉમેદવારી કરવા માગતા હતા, પણ આ બેઠક પર મહાગઠબંધનના ઉમેદવાર અરવિંદ સાવંત છે, તેથી તેમને આ મોકો મળવાનો નથી. આ વર્ષે જૂનમાં મહારાષ્ટ્રમાંથી સાત રાજ્યસભાના સાંસદો મોકલવામાં આવશે. મિલિંદ દેવરા રાજ્યસભા બેઠક પર કોંગ્રેસ સાથે સોદાબાજી કરવાની તકનો લાભ લઈ રહ્યા હતા, પરંતુ એવું થયું નહીં અને તેમણે રાજીનામું આપી દીધું. શિંદે જૂથમાં જોડાય તો તેમને રાજ્યસભાના સાંસદ બનવાની તક છે, કારણ કે મહારાષ્ટ્રની ટ્રિપલ એન્જિન સરકારમાં શિંદે જૂથ પણ રાજ્યસભામાં એક સાંસદ મોકલી શકે છે અને આ સાંસદ મિલિંદ દેવરા હોઇ શકે છે.