
અમદાવાદઃ કૉંગ્રેસ પક્ષ આવતીકાલે પોતાનો 138મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. તે પહેલા જ પક્ષે એક મોટી જાહેરાત કરી છે. પક્ષના સાંસદ રાહુલ ગાંધી 14મી જાન્યુઆરીથી ફરી યાત્રાએ નીકળવાના છે. જોકે આ વખતે પદયાત્રા નહીં પણ બસયાત્રા રહેશે. આ જાહેરાત પક્ષના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલે કરી હતી. આ યાત્રામાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગાંધી 14મી જાન્યુઆરીથી 20 માર્ચ સુધીમાં મણિપુરથી મુંબઈ સુધીની 65 દિવસની યાત્રા કરી 6500 કિલોમીટર અંતર કાપશે અને લોકોને મળશે. આ યાત્રા દરમિયાન 14 રાજ્ય અને 65 જિલ્લાને આવરી લેવામાં આવશે. ભારત ન્યાય યાત્રા મણીપુર, નાગાલેંડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છતીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન,ગુજરાત મહારાષ્ટ્રમાંથી પસાર થશે. મણીપુર રાજ્યમાંથી શરુ થશે અને મુબઈમાં પૂર્ણ થશે.
દેશના વધી રહેલી સતત આર્થિક અસમાનતા, સમાજિક ધ્રુવીકરણ રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે તેમ જ લોકોને આર્થિક ન્યાય, સામાજિક ન્યાય, રાજકીય ન્યાય મળી રહે તે ભારત ન્યાય યાત્રા કરવામાં આવશે, તેમ પક્ષે જણાવ્યું હતું. અગાઉ ભારત જોડો યાત્રા સમયે જ પૂર્વ અને પશ્ચિમને જોડતી યાત્રાના બીજા અધ્યાયની જાહેરાત કરવામાં આવી હતી તે હવે કરવામાં આવી રહી છે. પક્ષની 21 ડિસેમ્બરે મળેલી બેઠકમાં માગણી ઊઠી હતી કે રાહુલ ગાંધી ફરી યાત્રા કરે, જે પૂરી કરવામાં આવી રહી હોવાનું પક્ષે જણાવ્યું હતું.
ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીએ એક પરિપક્વ અને સમર્થ રાજકારણી તરીકેની છાપ ઊભી કરી અને સારી નામના મેળવી, પરંતુ આનો ફાયદો પક્ષને ચૂંટણીના પરિણામોમાં થયો નથી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા ફરીથી રાહુલ ગાંધી લોકો સાથે સીધો સંપર્ક કરવાની કોશિશ કરશે તે કેટલી સફળ નિવડે છે તે ચૂંટણીના પરિણામો જ કહેશે.